કઈ કંપનીએ કેટલામાં ટીમ ખરીદી તે કાલે જાહેર થશે
મુંબઈ, તા.23 : મહિલા આઇપીએલની પાંચ ફ્રેંચાઇઝીનું ઓક્શન બુધવારે થવાનું છે. બીસીસીઆઇ આ માટે ઓનલાઇન ટેન્ડર બહાર પાડી ચૂકી છે. બુધવારે ખબર પડી જશે કે કઈ કંપનીએ કઈ ટીમ કેટલા કરોડમાં ખરીદી છે. આ ઓક્શનમાં બીસીસીઆઇને લગભગ ચાર હજાર કરોડ રૂપિયા મળી શકે છે. રિપોર્ટ અનુસાર એક ટીમ માટે 500થી 800 કરોડ રૂપિયા સુધીની બોલી લાગી શકે છે.
મહિલા આઇપીએલની ટીમો ખરીદવા માટે 30થી વધુ ઉદ્યોગ સમૂહ મેદાનમાં છે. તેમાં પુરુષ આઇપીએલના માલિકો પણ સામેલ છે. કેટલીક એવી પણ કંપની છે. જેમણે 2021માં મેન્સ આઇપીએલમાં ટીમ ખરીદવાની કોશિશ કરી હતી. મુંબઈ ઇન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ મહિલા આઇપીએલની ટીમ ખરીદવા ઉત્સુક છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે તાજેતરમાં જ બીસીસીઆઇને મહિલા આઇપીએલના મીડિયા રાઇટસના પાંચ વર્ષના કરાર માટે વાયકોમ-18 તરફથી 951 કરોડ રૂપિયા મળ્યા છે. બોર્ડ પાંચ વર્ષ સુધી મીડિયા રાઇટ્સમાંથી થયેલ કમાણીમાંથી 80 ટકા હિસ્સો ટીમોમાં વહેંચણી કરશે. એ પછી પાંચ વર્ષ માટે 60 ટકા અને બાદમાં 50 ટકા હિસ્સો ટીમોના ખાતામાં જશે.
મહિલા આઇપીએલની પહેલી સિઝન માર્ચના પ્રારંભે રમાશે. જેમાં પાંચ ટીમ વચ્ચે કુલ 22 મેચ રમાશે. જેનો સત્તાવાર કાર્યક્રમ હજુ જાહેર થયો નથી. એકવાર પાંચ ટીમ ફાઇનલ થયા બાદ શેડયૂલ નક્કી થશે.