• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

આઇસીસી ટી-20 ટીમ અૉફ ધ યરમાં કોહલી, સૂર્યકુમાર અને હાર્દિક પસંદ

વર્લ્ડ ચૅમ્પિયન ઈંગ્લૅન્ડ અને પાકિસ્તાનના બે-બે ખેલાડી સામેલ મહિલા ટીમમાં ભારતની ચાર ખેલાડીને સ્થાન 

દુબઈ તા. 23 : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ વર્ષ 2022ની પુરુષ અને મહિલા વિભાગની ટી-20 ટીમ ઓફ ધ યર જાહેર કરી છે. જેમાં ભારતીય ટીમના ત્રણ ખેલાડી છે. જયારે વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનના બે-બે ખેલાડી પસંદ થયા છે. ચોંકાવનારી વાત એ છે કે ઓસ્ટ્રેલિયાનો એક પણ ક્રિકેટર આ ટીમમાં સામેલ નથી. જયારે ઝિમ્બાબ્વે અને આયરલેન્ડના 1-1 ખેલાડી છે. મહિલા ટીમમાં ભારતની સ્મૃતિ મંધાના સહિતની ચાર ખેલાડી સામેલ છે.

ભારતીય ટીમમાંથી અનુભવી બેટધર વિરાટ કોહલી, 360 ડિગ્રી બેટર સૂર્યકુમાર યાદવ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડયા આઇસીસી ટી-20 ટીમ ઓફ ધ યરમાં સામેલ છે. વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડના જોસ બટલરને કેપ્ટન બનાવાયો છે. ટી-20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનેલ સેમ કરન ટીમમાં ઇંગ્લેન્ડનો બીજો ખેલાડી છે. પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન અને હારિસ રઉફને પસંદ કરાયા છે. બાબર આઝમ સામેલ નથી. ઝિમ્બાબ્વેનો સ્પિન ઓલરાઉન્ડર સિકંદર રઝા અને આયરલેન્ડનો જોશુઆ લિટિલને ટીમમાં જગ્યા મળી છે. આઇસીસીએ વર્ષ 2022ના દેખાવના આધારે ખેલાડીઓની પસંદગી કરી છે. 

આઇસીસી ટી-20 મેંસ ટીમ ઓફ ધ યર: જોસ બટલર (ઇંગ્લેન્ડ-કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન-વિકેટકીપર), વિરાટ કોહલી (ભારત), સૂર્યકુમાર યાદવ (ભારત), ગ્લેન ફિલિપ્સ (ન્યુઝીલેન્ડ), સિકંદર રઝા (ઝિમ્બાબ્વે), હાર્દિક પંડયા (ભારત), સેમ કરન (ઇંગ્લેન્ડ), વાનિંદુ હસારંગા (શ્રીલંકા), હારિસ રઉફ (પાકિસ્તાન) અને જોશુઆ લિટિલ (આયરલેન્ડ).

આઇસીસી ટી-20 વિમેંસ ટીમ ઓફ ધ યર: સ્મૃતિ મંધાના (ભારત), બેથ મૂની (ઓસ્ટ્રેલિયા), સોફી ડિવાઈન (ન્યુઝીલેન્ડ), એશલે ગાર્ડનર (ઓસ્ટ્રેલિયા), નિદા ડાર (પાકિસ્તાન), દીપ્તિ શર્મા (ભારત), રિચા ઘોષ (ભારત), સોફી એકલેસ્ટોન (ઇંગ્લેન્ડ), ઇનોકા રાનાવીરા (શ્રીલંકા) અને રેણુકા સિંહ ઠાકુર (ભારત).