• શનિવાર, 20 એપ્રિલ, 2024

ફ્રેન્ચ ઓપનની સેમિફાઈનલમાં જોકોવિચ-અલ્કારેજ આમને-સામને  

બ્રાઝિલની માઇયા અને નંબર વન સ્વિયાતેક પણ સેમિ ફાઇનલમાં પહોંચી 

પેરિસ, તા.7: 22 વખતના ગ્રાંડસ્લેમ ખિતાબ વિજેતા સર્બિયાના સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચનો ફ્રેંચ ઓપનના મેન્સ સિંગલ્સ સેમિ ફાઇનલમાં દુનિયાના નંબર વન અને સ્પેનના પ્રતિભાશાળી ખેલાડી કાર્લોસ અલ્કારેજ સામે થશે. રોલાન્ડ ગેરોસ પર આ મુકાબલો હાઇ વોલ્ટેજ બની રહેવાની પૂરી સંભાવના છે. જોકોવિચ પાસે હવે 23મો ગ્રાંડસ્લેમ ખિતાબ જીતીને નડાલથી આગળ થવાની તક છે. નડાલના ખાતામાં પણ 22 ગ્રાંડસ્લેમ ટાઇટલ છે. 

જોકોવિચે ગઇકાલે ક્વાર્ટર ફાઇનલમાં રૂસી ખેલાડી 11મા ક્રમના કારેન ખાચાનોવ વિરુદ્ધ પહેલો સેટ ગુમાવ્યા બાદ શાનદાર વાપસી કરીને અંતમાં 4-6, 7-6, 6-2 અને 6-4થી શાનદાર જીત સામે સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી જ્યારે સ્પેનના યુવા ખેલાડી અને નંબર વન કાર્લેસ અલ્કારેજનો ક્વાર્ટર ફાઇનલમાં ગ્રીસના સ્ટેફાનોસ સિતસિપાસને 6-2, 6-1 અને 7-પથી હાર આપીને સેમિમાં જગ્યા નિશ્ચિત કરી હતી. જ્યાં તેની ટક્કર દિગ્ગજ જોકોવિચ સામે થશે. 

જ્યારે મહિલા વિભાગના આજે રમાયેલા ક્વાર્ટર ફાઇનલમાં 14મા ક્રમની બ્રાઝિલને ખેલાડી હડાડ માઇયાએ સાતમા નંબરની ખેલાડી ઓંસ જોબુરને 3-6, 7-5 અને 6-1થી હાર આપીને ફ્રેંચ ઓપનના સેમિમાં પહેલીવાર પ્રવેશ કર્યો હતો. તે 1968 બાદ ફ્રેંચ ઓપનના સેમિમાં પહોંચનારી પહેલી બ્રાઝિલી મહિલા ખેલાડી બની છે. આ પહેલા બ્રાઝિલની મારિયો બૂનો સેમિમાં પહોંચી હતી. આ ઉપરાંત પોલેન્ડની નંબર વન ખેલાડી ઇગા સ્વિયાતેક પણ સેમિમાં પહોંચી છે. તેણીએ ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકાની 6 નંબરની ખેલાડી કોકો ગોફને 6-4 અને 6-2થી હાર આપી હતી.