• શુક્રવાર, 29 માર્ચ, 2024

અશ્વિનને બહાર રાખવાનો નિર્ણય હંમેશાં મુશ્કેલ : રોહિત  

જાડેજા અને ચાર ઝડપી બૉલર સાથે ઊતરી ટીમ ઇન્ડિયા

લંડન, તા. 7 ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પૂર્વ કપ્તાન વિરાટ કોહલીએ કરેલી ભૂલ કરી નથી. કોહલીએ ગત ડબ્લ્યૂટીસી ફાઇનલમાં એજબેસ્ટનની પીચ પર અશ્વિન-જાડેજાના રૂપમાં બે સ્પિનર રમાડવાનો નિર્ણય લીધો હતો. જે તદન નિષ્ફળ રહ્યો હતો. ભારતની ત્યારે ન્યુઝીલેન્ડ સામે હાર થઇ હતી અને કોહલીના આ નિર્ણયની ભારે ટીકા થઇ હતી.

આ વખતે કપ્તાન રોહિત શર્માએ ફક્ત એક સ્પિનર રવીન્દ્ર જાડેજા અને ચાર ફાસ્ટ બોલર શમી, સિરાઝ, ઉમેશ અને ઠાકુર સાથે મેદાને પડવાનો નિર્ણય લીધો હતો. ટોસ જીતીને રોહિત શર્માએ ફીલ્ડિંગ પસંદ કરી હતી. રોહિત કહ્યું કે અમે એક સ્પિનર જાડેજા સાથે ઉતરશું. આ નિર્ણય હંમેશાં કઠિન રહ્યો છે. અશ્વિન અમારો મેચ વિનર બોલર છે. રહાણે અનુભવી છે. તેણે 80 ટેસ્ટ રમ્યા છે. તે ઇલેવનમાં છે જ્યારે વિકેટકીપર તરીકે કેએસ ભરતને તક અપાઇ હતી. ઈશાન કિશનને ડેબ્યૂનો મોકો મળ્યો ન હતો.

ભારતની ઇલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિકંયા રહાણે, શ્રીકર ભરત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાઝ.

બન્ને કૅપ્ટનની 50મી ટેસ્ટ

ભારતીય કપ્તાન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ બન્નેનો આ 50મો ટેસ્ટ મેચ છે. છેલ્લે જ્યારે અહીં ભારતનો મેચ રમાયો હતો ત્યારે શર્માએ સદી ફટકારી હતી અને મેન ઓફ ધ મેચ થયો હતો. રોહિત શર્માએ 49 ટેસ્ટ મેચની 83 ઇનિંગમાં 3379 રન કર્યાં છે જ્યારે પેટ કમિન્સે 49 ટેસ્ટ મેચની 90 ઇનિંગમાં 217 વિકેટ લીધી છે અને 924 રન છે.

ઇ-પેપરના નવા શુલ્ક