• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

સ્મૃતિ-હરમનની અણનમ અર્ધસદીથી ત્રિકોણીય ટી-20

શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ભારતનો 56 રનથી વિજય 

ઇસ્ટ લંડન (દ. આફ્રિકા), તા.24: ત્રિકોણીય મહિલા ટી-20 શ્રેણીના મેચમાં ભારતે સ્ટાર સ્મૃતિ મંધાનાના અણનમ 74 રન અને કેપ્ટન હરમનપ્રિત કૌરની અણનમ 56 રનની ઇનિંગની મદદથી વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 56 રને શાનદાર વિજય મેળવ્યો હતો. ટોસ જીતી પ્રથમ દાવ લેનાર ભારતીય મહિલા ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટે 167 રન કર્યાં હતા. જવાબમાં વિન્ડિઝ મહિલા ટીમ 20 ઓવરમાં 4 વિકેટે 111 રન જ કરી શકી હતી.

ભારત તરફથી પ્લેયર ઓફ ધ મેચ સ્મૃતિ મંધાનાએ 51 દડામાં 10 ચોક્કા અને 1 છક્કાથી 74 રનની શાનદાર અણનમ ઇનિંગ રમી હતી. કેપ્ટન હરમનપ્રિતે 35 દડામાં 8 ચોક્કાથી અણનમ 56 રન બનાવ્યા હતા. બન્ને વચ્ચે ત્રીજી વિકેટની અતૂટ ભાગીદારીમાં 70 દડામાં 115 રનનો ઉમેરો થયો હતો. વેસ્ટ ઇન્ડિઝ તરફથી શેમેન કેંપબેલે 47 અને કપ્તાન હેલી મેથ્યૂસે અણનમ 34 રન કર્યાં હતા. ભારત તરફથી દીપ્તિ શર્માએ 2 અને રાજેશ્વરી ગાયકવાડ-રાધા યાદવને 1-1 વિકેટ મળી હતી.