• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

ન્યૂ ઝીલૅન્ડનો 3-0થી વ્હાઇટવૉશ કરી ટીમ ઇન્ડિયા ફરી નંબર વન 

ત્રીજી અને આખરી વન ડેમાં 90 રને શાનદાર વિજય: કપ્તાન રોહિત અને શુભમનની સદી : શાર્દુલ-કુલદીપને 3-3 વિકેટ : ભારતના 9-385 સામે કિવિ ટીમ 29પ રનમાં અૉલઆઉટ

ડવેન કોન્વેની આઠ છગ્ગાથી આતશી સદી એળે

ઇન્દોર તા.24: ન્યુઝીલેન્ડનો 3-0થી સફાયો કરીને ભારત આઇસીસી વન ડે ક્રમાંકમાં ફરી એકવાર શિખર પર પહોંચ્યું છે. ત્રીજા અને આખરી વન ડેમાં ભારતનો 90 રને શાનદાર વિજય થયો હતો. કપ્તાન રોહિત શર્મા અને રનમશીન શુભમન ગિલની સદીથી ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 385 રન ખડકયાં હતા. જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ ડવેન કોન્વેની લડાયક સદી બાદ 41.2 ઓવરમાં 295 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. 45 રનમાં 3 વિકેટ લેનાર શાર્દુલ ઠાકુર પ્લેયર ઓફ ધ મેચ અને બે સદી સાથે કુલ 360 રન કરનાર શુભમન ગિલ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયા હતા. કુલદિપ યાદવને પણ 3 વિકેટ મળી હતી.

ટીમ ઇન્ડિયા પ્રવાસી ટીમ ન્યુઝીલેન્ડની 3-0થી કલીન સ્વીપ કરી હતી. આ સાથે જ તે આઇસીસી વન ડે ક્રમાંકમાં ન્યુઝીલેન્ડને જ ખસેડીને નંબર વન ટીમ બની છે. ભારતીય ટીમના હવે 114 રેટિંગ પોઇન્ટ છે. જયારે કિવિઝ ટીમ 111 રેટિંગ સાથે ચોથા નંબરે ફેંકાઇ ગઇ છે. બીજા નંબરે ઇંગ્લેન્ડ (113) અને ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયા (113) છે.

386 રનના પહાડ સમાન વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ન્યુઝીલેન્ડ તરફથી ઓપનર ડવેન કોન્વેએ એકલવીર બનીને લડાયક સદી કરી હતી. તેણે 100 દડાની ઇનિંગમાં 12 ચોકકા અને 8 છકકાથી આતશી 138 રન કર્યાં હતા. 

આ સિવાય હેનરી નિકોલ્સે 42 રન કરીને તેની સાથે બીજી વિકેટમાં 105 રનની ભાગીદારી કરી હતી. મિચેલે 24, પૂંછડિયા બ્રેસવેલે 26 અને સેંટનરે 34 રનના યોગદાન આપ્યા હતા. જે જીતથી ઘણા દૂર રહ્યા હતા. ભારત તરફથી ચહલને બે અને પંડયાને એક વિકેટ મળી હતી.