• શનિવાર, 02 માર્ચ, 2024

વિન્ડિઝે રેકૉર્ડ 326 રનનો વિજય લક્ષ્યાંક સર કરી ઇંગ્લૅન્ડને વન ડેમાં હાર આપી 

કપ્તાન સાઇ હોપની અણનમ સદી: 3 મૅચની શ્રેણીમાં 1-0થી આગળ

નોર્થ સાઉન્ડ (એન્ટિગા) તા.4 : પ્રવાસી ટીમ ઇંગ્લેન્ડ વિરૂધ્ધના પ્રથમ વન ડે મેચમાં કપ્તાન સાઇ હોપની અણનમ સદીની મદદથી વેસ્ટ ઇન્ડિઝે રેકોર્ડ 326 રનનો વિજય લક્ષ્યાંક પાર પાડીને 4 વિકેટે સંગીન જીત મેળવી છે. આથી 3 મેચની વન ડે શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝ 1-0થી આગળ થયું છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે વન ડે વર્લ્ડ કપમાં કવોલીફાય ન થનાર વિન્ડિઝે હવે મજબૂત ઇંગ્લેન્ડની ટીમને હાર આપી છે.

ટોસ જીતી પ્રથમ દાવ લેનાર ઇંગ્લેન્ડે 50 ઓવરમાં ઓલઆઉટ થઇને 325 રન બનાવ્યા હતા. આ પછી 326 રનનો પીછો કરવા ઉતરેલી વિન્ડિઝ ટીમે 7 દડા બાકી રાખીને 6 વિકેટે 326 રન કરીને 4 વિકેટે જીત મેળવી હતી. ઇંગ્લેન્ડ સામે વિન્ડિઝે સૌથી મોટો રન લક્ષ્યાંક પાર પાડીને જીત મેળવી હતી. અગાઉ વિન્ડિઝે 2019માં આયરલેન્ડ સામે રનનો પીછો કરતા 5 વિકેટે 331 રન કરી જીત મેળવી હતી. 

વિન્ડિઝ તરફથી કપ્તાન સાઇ હોપે  83 દડામાં 4 ચોકકા અને 7 છકકાથી 109 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઉપરાંત અલિક અથનાજે 65 દડામાં 66 રનનું યોગદાન આપ્યું હતું. વિન્ડિઝને આખરી 10 ઓવરમાં જીત માટે 106 રનની જરૂર હતી. હોપ અને શેફર્ડ વચ્ચે છઠ્ઠી વિકેટમાં 51 દડામાં 89 રનની વિજયી ભાગીદારી થઇ હતી. શેફર્ડે 28 દડામાં 48 રન કર્યાં હતા. આ મેચમાં ઇંગ્લેન્ડના બોલર સેમ કરને 9.5 ઓવરમાં 98 રન આપ્યા હતા. જે કોઇ પણ ઇંગ્લીશ બોલરનો વન ડેમાં સૌથી મોંઘો સ્પેલ છે.

ઇંગ્લેન્ડ તરફથી હેરી બ્રુકે 71, ફિલ સોલ્ટે 45, ઝેક ક્રાઉલીએ 48, સેમ કરને 32 અને બાયડન કાર્સે 31 રન કર્યાં હતા.

Budget 2024 LIVE
હેડલાઇન્સ