• શુક્રવાર, 29 માર્ચ, 2024

અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં બાંગ્લાદેશના પાંચ વિકેટે 362  

નઝમૂલ સાંટોની આક્રમક સદી

મિરપુર, તા.14: અફઘાનિસ્તાન વિરુદ્ધના એકમાત્ર ટેસ્ટના પ્રારંભિક દિવસે બાંગલાદેશની ટીમે આક્રમક બેટિંગ કરીને 5 વિકેટે 362 રન કર્યાં હતા. પહેલા દિવસની રમત બંધ રહી ત્યારે અનુભવી મુશફીકૂર રહેમાન 41 અને સ્પિન ઓલરાઉન્ડર મહેંદી હસન મિર્ઝા 43 રને નોટઆઉટ રહ્યા હતા. બાંગલાદેશ તરફથી વનડાઉન બેટર નઝમૂલ હુસેન સાંટોએ શાનદાર સદી ફટકારી હતી. તેણે 175 દડામાં 23 ચોક્કા અને 2 છક્કાથી 146 રન કર્યાં હતા. જ્યારે ઓપનર મહમદુલ્લા હસન જોયે 137 દડામાં 9 ચોક્કાથી 76 રનની ઇનિંગ રમી હતી. આ બન્ને વચ્ચે બીજી વિકેટમાં 212 રનની ભાગીદારી થઇ હતી. ઝાકિર હુસેન 1, મોમિનૂલ હક 15 અને ઇનચાર્જ કેપ્ટન લિટન દાસ 9 રને આઉટ થયા હતા. આ મેચમાં અફઘાનિસ્તાને તેના સ્ટાર સ્પિનર રાશિદ ખાનને વિશ્રામ આપ્યો છે. નિજત મસૂદે બે વિકેટ લીધી હતી. 

અફઘાન બોલર નિજત મસૂદની ટેસ્ટ કેરિયરના પહેલા દડે વિકેટ

અફઘાનિસ્તાન તરફથી ટેસ્ટ ડેબ્યૂ કરનાર બોલર નિજત મસૂદે વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. તેણે ટેસ્ટ કેરિયરના પહેલા જ દડે વિકેટ લીધી હતી. જે બાંગલાદેશની ઇનિંગની બીજી ઓવર હતી. તેણે બાંગલા ઓપનર ઝાકિર હુસેનની વિકેટ ઝડપીને આ રેકોર્ડ કર્યો હતો. આ સાથે જ નિજત મસૂદ ટેસ્ટ કેરિયરના પ્રથમ દડે જ વિકેટ લેનારો બોલર બની ગયો છે. અગાઉ ઓસ્ટ્રેલિયાના બોલર ટોમ હોરાને 1883માં આ પરાક્રમ કર્યું હતું જ્યારે દ. આફ્રિકાના હાર્ડસ વિલ્જોને 2016માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ કેરિયરના પહેલા દડે વિકેટ લીધી હતી. તેણે એલિસ્ટર કૂકને આઉટ કર્યો હતો. ભારત તરફથી નિલેશ કુલકર્ણીએ 1997માં શ્રીલંકા સામે ટેસ્ટ કેરિયરના પ્રથમ દડે વિકેટ લીધી હતી. જો કે આ ટેસ્ટમાં શ્રીલંકાએ ભારત સામે 952 રન ખડક્યા હતા.