મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિતનાં રાજ્યોમાં વરસાદ
નવી દિલ્હી, તા. 17: ઉત્તર ભારતમાં ભારે ગરમી બાદ ચોમાસું ફરી એક વખત મહેરબાન થયું છે. હવામાન વિભાગે ઉત્તર ભારતનાં ઘણાં રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. મધ્યપ્રદેશના એક મોટા હિસ્સામાં મુસળધાર વરસાદ થઈ રહ્યો છે જ્યારે ઉત્તર પ્રદેશ અને રાજધાની દિલ્હીમાં પણ વરસાદથી લોકોને રાહત મળી છે. હવામાન વિભાગનાં અનુમાન પ્રમાણે આગામી અમુક દિવસ સુધી વરસાદની ગતિવિધિ યથાવત્ રહેશે. આ માટે હિમાચલ પ્રદેશ સહિત 25થી વધારે રાજ્યમાં બે દિવસનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
વર્તમાન સમયે દક્ષિણ મધ્યપ્રદેશમાં ઓછા દબાણનું ક્ષેત્ર બનેલું છે. મોન્સુન ટ્રેક રેખા જૈસલમેર, કોટા સુધી ફેલાયેલી છે અને મહારાષ્ટ્રના દક્ષિણ કોંકણ સુધી છે જ્યારે હરિયાણામાં ચક્રવાતી હવાનું ક્ષેત્ર છે. જેનાં કારણે હરિયાણા અને દિલ્હી એનસીઆર વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં મુસળધાર વરસાદ થયો છે. જ્યારે ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, તેલંગણ, કર્ણાટક સિક્કિમમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી 24 કલાકમાં રાજસ્થાનના અમુક વિસ્તાર, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આ શેર કરો -