• શુક્રવાર, 29 માર્ચ, 2024

ભાજપ અને વિપક્ષો લોકસભાની ચૂંટણી માટે સજ્જ થઈ રહ્યા છે  

આનંદ કે. વ્યાસ તરફથી 

નવી દિલ્હી, તા. 8 : કેન્દ્રમાં શાસક ભાજપ અને કૉંગ્રેસ સહિતના વિપક્ષો આ વર્ષે થનારી વિધાનસભાઓની ચૂંટણીઓ તેમ જ આગામી વર્ષે થનારી લોકસભાની ચૂંટણીના ચક્રવ્યૂહ ઘડવામાં વ્યસ્ત થઇ ગયા છે. વિપક્ષો એવું દર્શાવવા માગે છે કે તેઓ એકતાથી લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન મોદીને પડકારશે, પરંતુ ભાજપ સામે માત્ર આવતા વર્ષે થનારી લોકસભાની ચૂંટણીનો જ નહીં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ સહિતનાં રાજ્યોમાં આ વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી જીતવાનો પણ પડકાર છે. જો વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ માટે વિપરીત પરિણામ આવશે તો લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની આગેવાનીમાં એકતા માટે વિપક્ષોનો ઉત્સાહ બેવડાઇ શકે છે. 

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારના વડપણ હેઠળ 23 જૂને પટણામાં વિપક્ષોની બેઠકની ઘોષણા થઇ છે ત્યારે એવી શક્યતા છે કે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ 11 જૂને ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો, નાયબ મુખ્ય પ્રધાનોની એક બેઠક રાખશે જેમાં વિધાનસભાની આગામી ચૂંટણીઓની તેમ જ લોકસભાની ચૂંટણીની વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાશે. જો ભાજપ આવી બેઠક યોજશે તો એમાં કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ, પાર્ટીના અધ્યક્ષ જે. પી. નડ્ડા, મહાસચિવો તેમ જ વિવિધ  રાજ્યોના પ્રભારીઓ પણ હાજર રહેશે. જોકે શાહ, નડ્ડા અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી. એલ. સંતોષ છેલ્લા કેટલાક સમયથી નિયમિતપણે લોકસભા સહિતની આગામી ચૂંટણીઓની તૈયારીઓ માટે બેઠકો કરી રહ્યા છે. વિપક્ષો 23મીએ બેઠક કરીને ભાજપ સામે એકતા મજબૂત હોવાનું દેખાડવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે આગામી વર્ષે થનારી લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન મોદી સામે વિપક્ષનો ચહેરો કોણ હશે? નીતિશ કુમારની બેઠકમાં યુપી, બંગાળ, પંજાબ અને દિલ્હી જેવાં રાજ્યોમાં કૉંગ્રેસની પ્રતિસ્પર્ધી પાર્ટીઓના નેતાઓ અનુક્રમે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉંગ્રેસનાં અધ્યક્ષા મમતા બેનરજી અને દિલ્હીના મુખ્ય પ્રધાન તેમ જ આપના સંયોજક અરવિંદ કેજરીવાલ પટણા જવાના છે પરંતુ હજુ એ સ્પષ્ટ નથી કે તેઓ સંબંધિત રાજ્યોમાં કૉંગ્રેસને કેટલી બેઠકો આપવા રાજી છે કે થશે. તેઓ કૉંગ્રેસ સાથે કોઇ ગઠબંધન માટે તૈયાર છે કે કેમ એ પણ હજુ સુધી સ્પષ્ટ નથી. આ ઉપરાંત કૉંગ્રેસથી દૂર રહીને વિપક્ષી એકતામાં રસ લેનારી પાર્ટીઓના નેતાઓમાંના તેલંગણાના મુખ્ય પ્રધાન અને ભારત રાષ્ટ્રીય સમિતિના કે. ચંદ્રશેખર રાવ, ઓડિશાના મુખ્ય પ્રધાન અને બિજુ જનતા દળના નેતા નવીન પટનાયક તેમ જ તેલુગુ દેશમ્ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રા બાબુ નાયડુ  મોટા ભાગે પટણાની બેઠકમાં હાજર નહીં રહે.