• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આજે મતદાન

મ. પ્રદેશની તમામ 230 અને છત્તીસગઢમાં બીજા તબક્કામાં બાકીની 70 બેઠક માટે ચૂંટણી

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 16 : મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની બેઠકો પર આવતી કાલે શુક્રવારે મતદાન થવાનું છે. મધ્યપ્રદેશની તમામ 230 બેઠકો પર મતદાન થશે જ્યારે છત્તીસગઢમાં કુલ 90 બેઠકો પૈકીની બીજા તબક્કાની 70 બેઠકો પર મતદાન થશે.

બંને રાજ્યોના ખેડૂતો અને મહિલાઓને લોભામણી અૉફર આપીને મત તેમના તરફ વાળવાની કોશિશ રાજકીય પક્ષોએ કરી છે, પરંતુ પરિણામ કયા પક્ષની તરફેણમાં આવે છે તે જોવું રસપ્રદ રહેશે. છત્તીસગઢમાં કૉંગ્રેસની સરકાર હોવાથી ત્યાં આ વખતે બહુમતીથી વિજય હાંસલ કરવા માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા છે ત્યારે મધ્યપ્રદેશમાં પણ કૉંગ્રેસની કામગીરી પ્રશંસનીય હોવાથી ભાજપને ફરી એકવાર સત્તા પર આવવા માટે નાગરિકોના સાથની જરૂર રહેશે.

શુક્રવારે થનારી ચૂંટણીમાં કૉંગ્રેસ અને ભાજપ સિવાય અન્ય પક્ષોની પણ એન્ટ્રી થઈ છે. મધ્યપ્રદેશમાં કૉંગ્રેસથી અલગ રહીને ઈન્ડિયા સંગઠનના ત્રણ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત સમાજવાદી પક્ષના 71, આમ આદમી પાર્ટીના 66, જેડીયુના 10 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. ભાજપ અને કૉંગ્રેસ બાદ સૌથી વધુ 183 ઉમેદવાર માયાવતીના વડપણ હેઠળની બહુજન સમાજ પાર્ટીના છે. વર્ષ 2018ની ચૂંટણીમાં કૉંગ્રેસને 114 અને ભાજપને 107 સીટ પર વિજય પ્રાપ્ત થયો હતો ત્યારે કુલ 230 સીટમાંથી કૉંગ્રેસે સમાજવાદી અને બહુજન સમાજ પાર્ટીના સહકારથી સરકાર બનાવી હતી.

મધ્યપ્રદેશમાં કૉંગ્રેસ ભાજપની શિવરાજ સરકારને હરાવીને ફરી એકવાર સત્તા હાંસલ કરવાની પૂરેપૂરી કોશિશ કરી રહી છે ત્યારે ભાજપે લાડલી બહેના સ્કીમ શરૂ કરીને ગરીબ, વિધવા અને ડિવોર્સી મહિલાઓને મદદ કરીને મહિલાઓનો વિશ્વાસ જીત્યો છે. આ ઉપરાંત રાજ્યમાં રોડની કથડેલી સ્થિતિ અને પાણીની અછતને દૂર કરવા માટે વિશેષ પ્રત્યનો કર્યા છે. જો નાગરિકોએ કૉંગ્રેસને મત આપ્યો તો ફરી એકવાર તેમને પસ્તાવાનો વારો આવશે એવું કહીને શિવરાજ સરકારે કૉંગ્રેસને વોટ ન આપવાની અપીલ કરી હતી. 

મધ્યપ્રદેશમાં નરેન્દ્ર મોદીનો પ્રભાવ સારો હોવાથી ભાજપે તેનો ઉપયોગ કરીને પ્રચાર કર્યો હતો. કૉંગ્રેસે રાજ્યમાં 48 ટકાની વસ્તી ધરાવતા ઓબીસી સમાજના કલ્યાણ માટે ધ્યાન આપ્યું હતું અને બેરોજગારી અને મોંઘવારી મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રાજ્યમાં 50 ટકા કમિશન રાજ ચાલતું હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો.

છત્તીસગઢમાં વડા પ્રધાન મોદી વિરુદ્ધ ભૂપેશ બઘેલની સ્થિતિ સર્જાઈ છે. કૉંગ્રેસે મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલની આગેવાની હેઠળ સત્તામાં રહેવા માટે પૂરતા પ્રયાસો કર્યા હતા ત્યારે વડા પ્રધાન મોદીએ છત્તીસગઢમાં આયોજિત રૅલી દરમિયાન બઘેલ સરકારને ભ્રષ્ટાચાર, મહાદેવ બૅટિંગ ઍપ કૌભાંડ, નક્સલી અને ભરતી કૌભાંડ મુદ્દે ઘેરી હતી. કૉંગેસે કેન્દ્ર સરકાર ફક્ત અમીર લોકોના કલ્યાણ માટે કામ કરી રહી હોવાના આક્ષેપો કરીને ખેડૂતો, મહિલા, આદિવાસી અને દલિત સમુદાયના લોકોનો વિશ્વાસ જીતવાના પ્રયત્ન કર્યા હતા.