• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

વડા પ્રધાન મોદીનો ત્રણ દેશનો પ્રવાસ  

13 વડા પ્રધાન અને નવ રાષ્ટ્ર પ્રમુખો સાથે મુલાકાત

નવી દિલ્હી, તા. 24 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી છ દિવસના વિદેશ પ્રવાસથી ભારત પરત ફર્યા છે. તેમનો વિદેશ પ્રવાસ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. એક તરફ મોદીએ દુનિયાના દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તો બીજી તરફ ઉદ્યોગથી લઈને કળા જગતના જાણીતા લોકોને પણ મળ્યા હતા. તેવામાં મોદીના વિદેશ પ્રવાસથી ભારતને શું મળ્યું તે અંગે ચર્ચા થઈ રહી છે. આ યાત્રામાં મોદી 13 વડાપ્રધાન અને નવ રાષ્ટ્ર પ્રમુખને મળ્યા હતા તેમજ ત્રણ દેશની મુલાકાત કરી હતી.

મોદીના પ્રવાસની શરૂઆત જાપાનથી થઈ હતી. જેમાં હિરોશિમા શહેરમાં આયોજીત જી7 અને પછી ક્વાડ સંમેલનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન મોદીએ દુનિયાના દિગ્ગજ નેતાઓની મુલાકાત કરી હતી. બાદમાં પાપુઆ ન્યુ ગિનીમાં થયેલા ફોરમ ફોર ઈન્ડિયા પેસિફિક આઈલેન્ડ કોઓપરેશનમાં સામેલ થયા હતા. પાપુઆ ન્યુગિનીથી મોદી ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. જ્યાં ભારતીય નાગરિકોને સંબોધન કર્યું હતું. 

જાપાન, પાપુઆ ન્યુગિની અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં મોદીએ 13 દેશના વડા પ્રધાન અને નવ રાષ્ટ્ર પ્રમુખોની મુલાકાત કરી હતી. જ્યારે જાપાન અને ઓસ્ટ્રેલિયાના ઘણા ઉદ્યોગપતિ, કલાકારો, સાહિત્યકારો અને અન્ય હસ્તીઓને પણ મળ્યા હતા. જી7ની બેઠકમાં મોદી મહેમાન તરીકે સામેલ થયા હતા. આ ગ્રુપ દુનિયાના સાત વિકસિત અને અમીર દેશોનું છે. જેમા મોદીની હાજરીથી ચીન અને પાકિસ્તાન જેવા દેશોને સંદેશ પહોંચે છે કે ભારત કેટલું મજબૂત છે. જી7 બેઠકમાં અમેરિકી પ્રમુખ પોતે મોદીની પાસે આવ્યા હતા અને બન્નેએ અભિવાદન કર્યું હતું. બાઈડને મોદીને કહ્યું હતું કે, અમેરિકામાં ઘણા લોકો કહી રહ્યા છે કે તેઓ મોદીના કાર્યક્રમમાં સામેલ થાય. જેના ઉપર ઓસ્ટ્રેલિયન પીએમએ સિડનીના કાર્યક્રમની વાત કરી હતી. અમેરિકાના પ્રમુખ અને ભારતના વડા પ્રધાન વચ્ચે આવી રીતે મુલાકાત મોટો સંદેશ છે.