• ગુરુવાર, 28 માર્ચ, 2024

ઓપેક+ના કેટલાક સભ્ય દેશોએ ઉત્પાદન ઘટાડયું નથી : પુરી  

નવી દિલ્હી, તા. 25 : ક્રૂડતેલના નિકાસકાર દેશોના સંગઠન ઓપેક અને તેના સાથી દેશોએ ક્રૂડતેલનું ઉત્પાદન ઘટાડવાનો સામૂહિક નિર્ણય લીધો હોવા છતાં તેના કેટલાક સભ્ય દેશોએ કમાણી ગુમાવવી ન પડે તે માટે ક્રૂડતેલનું ઉત્પાદન ઘટાડયું નથી, એમ ક્રૂડતેલ પ્રધાન હરદીપસિંઘ પુરીએ જણાવ્યું હતું. સાઉદી અરેબિયા અને રશિયાના નેતૃત્વ નીચેના ઓપેક પ્લસ સંગઠને ગત મહિને નક્કી કર્યું હતું કે તેના સભ્યો મે મહિનાથી સ્વૈચ્છિક રીતે રોજનું 16 લાખ બેરલ ક્રૂડતેલનું ઉત્પાદન ઘટાડશે. ઓપેકની આ જાહેરાતના પગલે વૈશ્વિક ક્રૂડતેલના ભાવ વધી ગયા હતા. જોકે, થોડા સપ્તાહમાં જ બજારને ખ્યાલ આવી ગયો કે ઓપેકના આ પગલાંથી માગ અને પુરવઠા પર કોઈ વિશેષ અસર નહીં થાય એટલે ક્રૂડતેલના ભાવ ફરીથી ઘટી ગયા હતા. સ્વયં રશિયાએ ક્રૂડતેલનું ઉત્પાદન ઘટાડયું નથી અને તેની ક્રૂડતેલ તથા તેની પ્રોડક્ટની નિકાસ અત્યારે વિક્રમ સ્તરે પહોંચી ગઈ છે. ક્રૂડતેલની પૂરતી ઉપલબ્ધિને કારણે વૈશ્વિક બજારોમાં ઈંધણના માર્જિન વાજબી બન્યા છે. 

ગત વર્ષે ક્રૂડતેલની કટોકટીને કારણે ખાનગી રિફાઇનરોએ ઊંચા માર્જિનવાળી નિકાસની બજારોમાં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, તેઓ હવે આ વર્ષે સ્થાનિક બજારોમાં ધ્યાન આપી રહ્યા છે. જે કંપનીઓ પોતાનો માલ અહીં વેચવા તૈયાર નહોતી તેમણે હવે તેમના ઉત્પાદનમાં ડીઝલનું પ્રમાણ ઓછું કર્યું અને ભાવ ઘટાડયા, જેથી તેઓ ગયે વર્ષે ગુમાવેલો બજાર હિસ્સો પાછો મેળવી શકે એમ પુરીએ કહ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બીપીના સંયુક્ત સાહસ દ્વારા ચાલતાં પેટ્રોલ પંપ પર ડીઝલનો ભાવ સરકારી પેટ્રોલ પંપો કરતાં પ્રતિ લિટર એક રૂપિયો ઓછો લેવામાં આવે છે.

સરકારે ગત વર્ષે ડીઝલ અને પેટ્રોલની નિકાસ પર જકાત નાખી હતી, જેથી રિફાઇનરો તેનું સ્થાનિક પેટ્રોલ પંપોમાં વેચાણ કરે. જકાત હોવા છતાં પણ નિકાસકારોને નિકાસમાં સારું માર્જિન મળતું હતું.