• શનિવાર, 20 એપ્રિલ, 2024

એફઍન્ડઓ ટ્રાડિંગ માટેના કલાકો લંબાવવા માટે શૅરબજારો દ્વારા નિયામક ઉપર દબાણ    

વૈશ્વિક રોકાણકારો વેરાનો લાભ લેવા માટે ગિફ્ટ સિટીમાં ટ્રાડિંગ શિફ્ટ કરવાની ધમકી આપી રહ્યા છે

મુંબઈ, તા. 25 : નેશનલ સ્ટૉક એક્સ્ચેન્જ (એનએસઈ)ના ગિફ્ટ નિફ્ટી (અગાઉ એસજીએક્સ નિફ્ટી તરીકે)ની શરૂઆત થયા પછી સ્થાનિક એક્સ્ચેન્જ ઓનશોર ડેરિવેટિવ્ઝ માર્કેટ માટે ટ્રાડિંગના કલાકો વધારવા માટે દબાણ કરી રહ્યા છે, એમ જાણકાર સૂત્રોનું કહેવું છે.  

સૂત્રોએ જણાવ્યું કે ડેરિવેટિવ્ઝ માર્કેટને વધુ કલાકો સુધી ખુલ્લું રાખવાની દરખાસ્ત પર મૂડીબજારના નિયમનકારની અંતિમ મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. આ પગલાંનો ઉદ્દેશ્ય વધુ ટ્રાડિંગ સભ્યોને ઓનશોર ફ્યુચર્સ ઍન્ડ અૉપ્શન્સ (એફઍન્ડઓ) કોન્ટ્રાક્ટ્સ તરફ આકર્ષિત કરવાનો છે, જેમાં વૈશ્વિક રોકાણકારો સંભવિતપણે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં ટ્રાડિંગ કરવાનું પસંદ કરે છે. એક એક્ઝિક્યુટિવે જણાવ્યું કે, ડેરિવેટિવ્ઝ માર્કેટને લાંબા સમય સુધી ખુલ્લું રાખવાથી સ્થાનિક રોકાણકારોને તેમના જોખમને વધુ સારી રીતે હેજ કરવામાં મદદ મળશે અને વૈશ્વિક વિકાસ પર ઝડપથી પ્રતિક્રિયા જોવાશે. એસજીએક્સ નિફ્ટી ટ્રાડિંગ હવે ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (આઈએફએસસી) દ્વારા રૂટ થઈ રહ્યું છે ત્યારે ઓનશોર માર્કેટનું આકર્ષણ જાળવવા માટે ડેરિવેટિવ્ઝ માર્કેટને લાંબા સમય સુધી ખુલ્લું રાખવાનો નક્કર કેસ છે.  

પ્રસ્તાવિત એસજીએક્સ-નિફ્ટી ગિફ્ટ કનેક્ટ 3 જુલાઈના રોજ સંપૂર્ણપણે કાર્યરત થવા માટે તૈયાર છે. ત્યારબાદ એસજીએક્સ પરના તમામ બાકી નિફ્ટી કોન્ટ્રેક્ટ્સ અૉર્ડર માચિંગ માટે ગિફ્ટ સિટીના એનએસઈ આઈએફએસસીમાં સંપૂર્ણપણે ટ્રાન્સફર કરવામાં આવશે.  

વર્ષ 2018માં સિક્યોરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ અૉફ ઈન્ડિયા (સેબી)એ સ્થાનિક સ્ટૉક એક્સ્ચેન્જોને ઇક્વિટી ડેરિવેટિવ્ઝ ટ્રાડિંગને 11.55 વાગ્યા સુધી લંબાવવાની મંજૂરી આપી હતી. જોકે, એક્સ્ચેન્જોને સમય વધારવા માટે નિયમનકારની ઔપચારિક મંજૂરીની જરૂર છે, એમ જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે, એક્સ્ચેન્જોએ સજ્જતા દર્શાવવી પડશે અને બજારોને લાંબા સમય સુધી ખુલ્લા રાખવાનું કારણ પણ આપવું પડશે. હાલમાં ડેરિવેટિવ્ઝ અને કૅશ માર્કેટ બંને સવારે 9.15થી બપોરના 3.30 વાગ્યા સુધી ખુલ્લા રહે છે. કેટલાક દેશોમાં ડેરિવેટિવ્ઝ બજારો 23 કલાક માટે ખુલ્લા હોય છે. જ્યાં સમગ્ર ડેરિવેટિવ્ઝ વોલ્યુમ કેન્દ્રિત છે એવા દેશના સૌથી મોટા એક્સ્ચેન્જ એનએસઈને ડેરિવેટિવ્ઝ ટ્રાડિંગ લંબાવવાનો સૌથી વધુ ફાયદો થવાની ધારણા છે. આવા પગલાંથી વોલ્યુમ અને નફાક્ષમતામાં વધારો થવાની અપેક્ષા છે.  

તાજેતરમાં એનએસઈના મૅનાજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ અૉફિસર આશિષકુમાર ચૌહાણે માર્કેટનો સમય લંબાવવાની દરખાસ્ત વિશે કહ્યું હતું કે આ વિશે મસલત ચાલી રહી છે અને તેનો સામનો કઈ રીતે કરવો અને તમામ પ્રોડક્ટ્સને કઈ રીતે સમાવવી તે વિશે બ્રોકર્સ નક્કી કરી રહ્યા છે. તે વિશે વિચાર કર્યા પછી સેબીની મંજૂરી લેવાશે. મંજૂરી મળી ગયા પછી તબક્કાવાર આગળ વધાશે.  બીએસઈના મૅનાજિંગ ડિરેક્ટર અને સીઈઓ સુંદરરામન રામામૂર્તિએ જણાવ્યું હતું કે, બજાર જે ઇચ્છે છે, અમે તે આપવા માટે અહીં છીએ. બજારની માગ વધશે ત્યારે તેના પર ધ્યાન આપશું.  

હાલમાં ઇક્વિટી ડેરિવેટિવ્ઝ માર્કેટમાં બીએસઈનો હિસ્સો નજીવો છે. જોકે, તેણે આ મહિને થોડો બજાર હિસ્સો મેળવવા માટે સેન્સેક્ષ અને બૅન્કેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટને ફરીથી લૉન્ચ કર્યો છે. બીએસઈએ આ પગલાંને પ્રોત્સાહક પ્રતિસાદ જોયો છે.  જાણકાર સૂત્રોએ કહ્યું કે સેબીએ બજારના સમય વિશે નિર્ણય લેવાનું એક્સ્ચેન્જો પર છોડી દીધું છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ