• શુક્રવાર, 29 માર્ચ, 2024

ભારતમાં આવનારાં વર્ષોમાં પ્રચંડ વેગથી વિકાસ થશે : વર્લ્ડ ઈકોનોમિક ફોરમ  

નવી દિલ્હી, તા. 26 (એજન્સીસ) : વિશ્વના મોટા અર્થતંત્રવાળા દેશોમાં ભારતનો વિકાસ પ્રચંડ વેગથી થશે તેવી અપેક્ષા છે. ભારતીય અર્થતંત્રનો વિકાસ પ્રચંડ વેગથી થશે જે કારણે વધુ મૂડીરોકાણ અને વધુ નોકરીઓનું સર્જન થાય છે એમ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (ડબ્લ્યુઈએફ)ના પ્રમુખ બોર્જ બ્રેન્ડેએ જણાવ્યું હતું. 

ભારતમાં જે સુધારા થયા છે તેના કારણે નોકરશાહીની વગ ઘટી છે. મૂડીરોકાણ માટેનું બહેતર વાતાવરણ છે અને વાસ્તવિક ડિજિટલ ક્રાંતિ થયેલી છે. તેના કારણે તેઓ ભારતના વિકાસના માર્ગ માટે ખૂબ જ આશાવાદી અને સકારાત્મક છે એમ બ્રેન્ડેએ ભારપૂર્વક જણાવ્યું હતું. અલબત્ત, તેઓ વૈશ્વિક વિકાસ માટે એટલા આશાવાદી નથી. 

ભારત અત્યારે વિશ્વના સૌથી વધુ ઝડપે વિકસતા ચાવીરૂપ અર્થતંત્રોમાંનું એક છે અને હાલમાં ભારત જી-20 રાષ્ટ્રોનું પ્રમુખ છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ડબ્લ્યુઈએફનો ભારત સાથે નજીકનો સહયોગ છે.

પર્વત પરથી બરફનો ગોળો જેમ જેમ નીચે આવતો જાય તેમ તે મોટો અને મોટો થતો જાય. તેવું જ ભારતીય અર્થતંત્ર સાથે થઈ રહ્યું છે. આ પ્રકારની વિકાસ વૃદ્ધિને કારણે વધુ રોકાણ આવશે અને વધુ રોજગારીનું સર્જન થશે. આગામી વર્ષોમાં ભારતનો વિકાસ વધતો જશે. બધાં જોશે કે ભારતમાં ગરીબી ઘટતી જશે અને યુવાન લોકોને વધુ તક મળશે, એમ બ્રેન્ડે દિલ્હીમાં પીટીઆઈને જણાવ્યું હતું.ભારતની ટૂંકી મુલાકાતે આવેલા બ્રેન્ડે આગામી સહયોગ અને ભારતના જી-20 દેશોના નેતૃત્વ વિશે ચર્ચા-વિચારણા કરી હતી. તેઓ વિવિધ કેન્દ્રીય પ્રધાનો અને કંપનીના અગ્રણી અધિકારીઓ સહિત અન્ય લોકોને પણ મળ્યા હતા.

`મારું માનવું છે કે વિકાસશીલ દેશોએ ભારત પાસેથી કંઈક શીખવું જોઈએ. ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને રચનાત્મક તથા સર્જનાત્મક કાર્ય કરતાં ધંધાદારી લોકો અને સંશોધકો માટે અહીં મુક્ત વાતાવરણ છે. આ ઉપરાંત ભારતમાં વાણી સ્વાતંત્ર્ય છે,' એવું બ્રેન્ડે કહ્યું હતું.વધુમાં બ્રેન્ડેએ જણાવ્યું હતું કે, ભારતમાં અન્ય વિકાસશીલ દેશો કરતાં સ્ટાર્ટઅપની વિસ્તૃત ઈકોસિસ્ટમ છે અને હજી પણ તે વધી રહી છે. અન્ય દેશો ભારત પાસેથી આ બાબતની પ્રેરણા લઈ શકે છે.

જીનિવામાં વડું મથક ધરાવતું ડબ્લ્યુઈએફ એક પબ્લિક પ્રાઈવેટ કો-અૉપરેશનવાળું આંતરરાષ્ટ્રીય સંગઠન છે. તે દાવોસમાં વાર્ષિક મિટિંગોનું આયોજન કરવા માટે પ્રખ્યાત છે. વિશ્વના ઉચ્ચ કક્ષાના લોકોના સંગઠન તરીકે તે જાણીતું છે. ચાલુ વર્ષે ભારતનો છ ટકાના દરે આર્થિક વિકાસ થશે. જે વિશ્વનાં મોટાં અર્થતંત્રોમાં સૌથી વધુ હશે, એમ ડબ્લ્યુઈએફની ધારણા છે.

`અમે ભારતના મજબૂત વિકાસને જોઈ રહ્યા છીએ. બહારનાં કોઈ પરિબળોની નકારાત્મક અસર નહીં થાય તો અમે એકંદરે ભારતના વિકાસ માટે આશાવાદી છીએ. અમારી પાસે યુદ્ધ અને સંઘર્ષ માટે સમય નથી. વધુ આત્મસંતુષ્ટ થવાનો પણ સમય નથી,' એમ બ્રેન્ડે કહ્યું હતું.