નવી દિલ્હી, તા. 18 (એજન્સીસ) : અૉગસ્ટ માસમાં દેશમાં ગોલ્ડ એક્સ્ચેન્જ ટ્રેડેડ ફન્ડ ( ઈટીએફ)માં રોકાણ 16 માસની ટોચે જઈ રૂા. 1028 કરોડનું થયું હતું. અમેરિકામાં ધિરાણદરોમાં સતત થઈ રહેલા વધારા અને વિકાસદરમાં થઈ રહેલા ઘટાડાના પગલે ગોલ્ડ ઈટીએફમાં રોકાણ વધ્યું હોવાનું ઍસોસિયેશન અૉફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)એ જણાવ્યું છે. આ સાથે સમગ્ર વર્ષ દરમિયાન આ શ્રેણી હેઠળ રોકાણ રૂા. 1400 કરોડનું થયું હોવાનું એમ્ફી દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.
એમ્ફીની માહિતી અનુસાર ગોલ્ડ સાથે સંકળાયેલા ઈટીએફમાં રોકાણ અૉગસ્ટમાં રૂા. 1028 કરોડ થયું હતું, જે તેના પાછલા માસ જુલાઈમાં રૂા. 456 કરોડનું થયું હતું. આ અગાઉ નાણાવર્ષ 2023-24ના પહેલા ત્રિમાસિક ગાળા એપ્રિલથી જૂન દરમિયાન ગોલ્ડ ઈટીએફમાં રૂા. 298 કરોડનું રોકાણ થયું હતું, જ્યારે તે પહેલાના સતત ત્રણ ત્રિમાસિક ગાળા સુધી રોકાણકારોએ ગોલ્ડ ઈટીએફમાંથી રોકાણ છૂટું કર્યું હતું.
આ શ્રેણી હેઠળ માર્ચ ગાળામાં 1243 કરોડ, ડિસેમ્બર ગાળામાં રૂા. 320 કરોડ અને સપ્ટેમ્બર ગાળા દરમિયાન રૂા. 165 કરોડનું રોકાણ પાછું ખેંચવામાં આવ્યું હતું. આ અગાઉ એપ્રિલ 2022માં ગોલ્ડ ઈટીએફમાં રશિયા-યુક્રેન યુદ્ધના પગલે સૌથી વધુ રૂા. 1100 કરોડનું રોકાણ થયું હતું. તે શેર કરો -