નવી દિલ્હી, તા. 24 : સ્થાનિક બજારોમાં ખાંડના વધતા જતા ભાવ ઉપર અંકુશ લાદવા કેન્દ્ર સરકારે ખાંડ મિલોને તેમની અૉક્ટોબર ક્વોટાની 13 લાખ ટન ખાંડનું વેચાણ અગાઉથી શરૂ કરવાની મંજૂરી આપી છે.
ખાદ્ય મંત્રાલયે ખાંડની મિલો, વેપારીઓ, જથ્થાબંધ વેપારી, મોટી વિક્રેતા સાંકળ સહિતના છૂટક વિક્રેતાઓને તાત્કાલિક ચોક્કસ પોર્ટલ પર પોતાના સ્ટોકની સ્થિતિ જાહેર કરવા અને દર સોમવારે તેને અપડેટ કરવા જણાવ્યું છે.
જોકે દરેક ખાંડ મિલ દ્વારા સ્થાનિક વેચાણ માટે અૉક્ટોબરનો ક્વોટા ટૂંક સમયમાં ખાદ્ય મંત્રાલય દ્વારા ફાળવવામાં આવશે, તેમ છતાં તેમના ભૂતકાળના વેચાણ રેકોર્ડના આધારે પ્રથમ હપ્તો નક્કી કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગ્રાહક બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર, ગુરુવાર સુધીમાં સમગ્ર ભારતમાં ખાંડની સરેરાશ જથ્થાબંધ કિંમત રૂા. 4,054.69 પ્રતિ ક્વિન્ટલ પર પહોંચી ગઈ છે, જે એક મહિનામાં 1 ટકા અને એક વર્ષ અગાઉની સરખામણીમાં 3 ટકા વધુ છે. જોકે, 21 સપ્ટેમ્બરે સરેરાશ છૂટક કિંમત રૂા. 43.73 પ્રતિ કિલો, એક મહિના પહેલા રૂા. 43.29 પ્રતિ કિલો અને એક વર્ષ પહેલાં રૂા. 42.57 પ્રતિ કિલો હતી.
અૉગસ્ટના અંતમાં અંદાજિત 83 લાખ ટનના સ્ટોક સાથે અને દિવાળીના સમય કરતાં વહેલા પિલાણની સિઝન શરૂ થવાની સંભાવના સાથે, ભારતમાં તહેવારોમાં સ્થાનિક વપરાશ માટે પૂરતો સ્ટોક હોવાનું મંત્રાલયે જણાવ્યું હતું. શેર કરો -