• શુક્રવાર, 29 માર્ચ, 2024

એચપીસીએલ દ્વારા ઈ27 ઈંધણ અને ઈથેનોલ મિશ્રિત ડીઝલ ઈંધણનું સફળ પરીક્ષણ   

મુંબઈ, તા. 7 : હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિ. (એચપીસીએલ) એ વાહનોમાં ઈ27 ઈંધણ અને ઈથેનોલ મિશ્રિત ડીઝલ ઈંધણના ઉપયોગનો પ્રાયોગિક અભ્યાસ કરીને તેના સફળ પરીક્ષણની જાહેરાત કરી છે. કંપની પ્રવક્તાએ કહ્યું કે, આ ઉપલબ્ધિ સાથે એચપીસીએલ ભારતમાં વર્ષ 2025 સુધીમાં ભારતમાં ઈથેનોલ મિશ્રણની રૂપરેખા અનુસાર મોટા પાયે અનુસંધાન કાર્યક્રમ શરૂ કરનારી એવી પહેલી અૉઈલ માર્કેટિંગ કંપની બની છે જેનો હેતુ ગેસોલિનમાં ઈથેનોલના સંયોજનને પ્રોત્સાહન આપવાનો છે.  

ઈ27થી ચાલનારાં વાહનો પર કરવામાં આવેલા પ્રારંભિક અભ્યાસને કારણે પરંપરાગત ગેસોલિનની સરખામણીએ સીઓ અને ટીએચસી જેવા ઉત્સર્જનમાં થયેલા નોંધપાત્ર ઘટાડાની જાણ થઈ છે, એમ જણાવતાં પ્રવક્તાએ કહ્યું કે, શુદ્ધ સીઓટુ ઉત્સર્જનને ઘટાડવાની વ્યાપક ક્ષમતાની પણ જાણ થઈ છે. ટુ-વ્હીલર અને પેસેન્જર કારમાં વધુ ઈથેનોલ મિશ્રિત ઈંધણના ઉપયોગ દ્વારા ગ્રીનહાઉસ ગૅસ ઉત્સર્જનને ઘટાડવા અને કાર્બનનું ઓછું ઉત્સર્જન કરનારી અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વનું યોગદાન આપી શકાશે. પ્રાયોગિક પ્રોજેક્ટના ભાગરૂપે એચપીસીએલ પેસેન્જર કારમાં ઈથેનોલ-ડીઝલ પરીક્ષણનું પણ મૂલ્યાંકન કરશે. તેનું લક્ષ્ય શરૂઆતમાં 20,000 કિ.મી.ના લક્ષિત લાભને પ્રાપ્ત કરવાનું છે.