• ગુરુવાર, 28 માર્ચ, 2024

દેશનું ઇન્ટરનેટ અર્થતંત્ર વર્ષ 2030 સુધીમાં છ ગણું વધી એક લાખ કરોડ ડૉલરનું થવાની ધારણા  

મુંબઈ, તા. 7 (એજન્સીસ) : ભારતનું ઇન્ટરનેટ અર્થતંત્ર છ ગણું વધી 2030 સુધીમાં એક લાખ કરોડ યુએસ ડૉલરનું થઈ જવાની ધારણા છે. આનું મુખ્ય સંચાલકબળ ઇ-કૉમર્સ ક્ષેત્ર હશે, એમ ગૂગલ, ટેમસેક અને બેઇન ઍન્ડ કંપનીના સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. ભારતનું ઇન્ટરનેટ અર્થતંત્ર 2022માં 155થી 175 અબજ યુએસ ડૉલરનું હતું. વિકાસના ચાલકબળોમાં બીટુસી ઇ-કૉમર્સ, બીટુબી ઇ-કૉમર્સ, સોફ્ટવેર-એસ-એ-સર્વિસ પ્રોવાઇડર અને અૉનલાઇન મીડિયાનો સમાવેશ થાય છે. 

ગૂગલ ઇન્ડિયા કન્ટ્રી મૅનેજર અને વાઇસ પ્રેસીડેન્ટ સંજય ગુપ્તાએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં મોટા ભાગની ખરીદી ડિજિટલ પેમેન્ટથી થશે.

તેમણે જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ્સે ડિજિટલ ક્રાંતિનો પંથ કંડાર્યો છે. કોરોના બાદ લઘુ અને મધ્યમ બિઝનેસો તેમ જ મોટા સાહસિકોએ વધુ સ્પર્ધાત્મક બનવા ડિજિટલ ટેક્નૉલૉજી શરૂ કરી છે. બીટુસી ઇ-કૉમર્સનું કદ 2022માં જે 60થી 65 અબજ યુએસ ડૉલરનું હતું તે વધી 2030 સુધીમાં 350થી 380 અબજ યુએસ ડૉલરનું થઈ જવાની શક્યતા છે.

બીટુબી ઇ-કૉમર્સનું કદ જે 2022માં 8થી 9 અબજ યુએસ ડૉલરનું હતું તે 13થી 14 ગણું વધી 105થી 120 અબજ યુએસ ડૉલરનું થવાની ધારણા છે. સોફ્ટવેર-એસ-એ-સર્વિસ સેગમેન્ટનું કદ જે 2022માં 12થી 13 અબજ યુએસ ડૉલરનું હતું તે 5થી 6 ગણું વધી 2030 સુધીમાં 65થી 75 અબજ ડૉલરનું થઈ જવાની શક્યતા છે.

ટેમસેકના મૅનેજિંગ ડાયરેક્ટર (ઇન્વેસ્ટમેન્ટ) વિશેષ શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે વૈશ્વિક જીડીપીના વિકાસ માટે ભારત નવી આશાનું કિરણ બન્યું છે.