જોખમ ભારાંકમાં વધારો
મુંબઈ, તા. 17 : વ્યક્તિગત લોનો અને ક્રેડિટ કાર્ડ માટેના જોખમ ભારાંકમાં રિઝર્વ બૅન્કે કરેલા વધારાને પગલે ગ્રાહક લોનો મોંઘી થશે, બૅન્કોની ટીયર-1 મૂડીપર્યાપ્તિમાં 0.6 ટકાનું ધોવાણ થશે અને એનબીએફસી (નોન-બૅન્કિંગ ફાઈનાન્સ કંપની) વિભાગ પર બે બાજુથી ભીંસ આવશે એમ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅરે કહ્યું છે.
રેટિંગ એજન્સીના ક્રેડિટ એનાલિસ્ટ ગીતા ચુઘે આજે કહ્યું કે ફાઈનાન્સ કંપનીઓને વધુ અસર થશે, કેમ કે તેમને બૅન્કો પાસેથી મળતું ધિરાણ મોંઘું બનશે અને સાથોસાથ તેમની મૂડીપર્યાપ્તિમાં પણ ઘટાડો થશે.
`જોકે આને લીધે ભારતના નાણાકીય ક્ષેત્રના રેટિંગ પર કોઈ અસર નહીં થાય,' એમ તેમણે ઉમેર્યું હતું.
ગુરુવારે રિઝર્વ બૅન્કે ગ્રાહકોને આપવામાં આવતી આ પ્રકારની લોન પરનો જોખમ ભારાંક 100 ટકાથી વધારીને 125 ટકા ર્ક્યો છે. આનો અર્થ એ કે અગાઉ બૅન્કોને પ્રત્યેક રૂા. 100ની લોન માટે રૂા. 9ની કેપિટલ (મૂડી) જાળવવી પડતી હતી તેના બદલે હવે રૂા. 11.25ની મૂડી જાળવવી પડશે.
આ ઉપરાંત રિઝર્વ બૅન્કે ક્રેડિટ કાર્ડની મળવાપાત્ર રકમ અને એનબીએફસીને આપવામાં આવતી બૅન્ક લોન પર 100 ટકા કરતાં ઓછો જોખમ ભારાંક હતો તેમાં પણ વધારો ર્ક્યો છે. રિઝર્વ બૅન્કના આ નિર્દેશને કારણે દેશની અગ્રણી ફાઈનાન્સ કંપનીઓનો બૅન્ક લોનનો ખર્ચ વધી જશે. આમ છતાં એનબીએફસી દ્વારા હાઉસિંગ અને એમએસએમઈ અગ્રીમતા ધરાવતાં ક્ષેત્રોને અપાતાં ધિરાણ પરનો જોખમ ભારાંક વધારવામાં આવ્યો નથી.
રિઝર્વ બૅન્કના આ પગલાંથી ઘર ખરીદી, વાહન કે શિક્ષણ માટેની લોનોને અસર નહીં થાય. પરંતુ હાલમાં જે મોટાપાયે કેટલીક અનસિક્યોર્ડ લોન આપવામાં આવી રહી છે તેની સામે રિઝર્વ બૅન્કે સ્પષ્ટપણે નારાજગી દર્શાવી હતી.
બૅન્કોનું કુલ ધિરાણ લગભગ 20 ટકા વધ્યું હતું, પરંતુ છૂટક લોનોમાં 30 ટકાનો વધારો નોંધાયો હતો. તેમાં પણ વધીને ક્રેડિટ કાર્ડના બાકી લેણામાં 30 ટકાનો વધારો થયો હતો. આ ઉપરાંત બૅન્કો જે નોન બૅન્ક ફાઈનાન્સ કંપનીઓને લોન આપે છે તેઓ પોતાના ગ્રાહકોને અનસિક્યોર્ડ, પર્સનલ અને કન્ઝયુમર લોન આપે છે.
રિઝર્વ બૅન્કે રિસ્ક વેઈટ વધાર્યુ હોવાથી એનબીએફસીને કન્ઝયુમર લોન આપવા માટે બમણા પડકારનો સામનો કરવો પડશે. એક તો તેઓ જે બૅન્કો પાસેથી લોન લેશે તે મોંઘી બનશે અને બીજું તેઓ ગ્રાહકોને જે લોન આપશે તે પણ અગાઉ કરતાં મોંઘી થશે.