• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

દિવાળીના તહેવારોમાં ઘઉંના ભાવ અંકુશમાં લેવાના સરકારના પ્રયાસ સફળ, બજાર રૂા. 150 ઘટી આવી

મુંબઈ, તા. 19 : ઘઉંમાં દિવાળીના તહેવારોમાં બજાર ભાવ અંકુશમાં લેવાના સરકારના પ્રયાસો સફળ થયા છે અને આ સપ્તાહમાં બજાર રૂા. 100થી 150 ઘટી આવી હતી. ઓપન સેલમાં સરકારે એક કરોડ ટન ઘઉં છૂટા કરવાની જાહેરાત કરી તેમ જ મિલોને પણ દર સપ્તાહમાં 100 ટનને બદલે 200 ટન ઘઉંની ફાળવણી કરતાં બજાર સીધી નીચે આવી ગઈ છે. બીજી તરફ સરકાર ઘઉંને બદલે મિલેટ્સ ધાન્યોને પ્રોત્સાહન આપીને ઘઉં પરનું ભારણ ઓછું કરવા માગે છે. કૃષિ ઉપભોક્તા અને વિદેશ મંત્રાલયની ઘણી જહેમત છે, પણ હજી લાંબી મંઝીલ કાપવાની છે. ઘઉંના નવી સીઝનના વાવેતરમાં ઘઉં સિવાય જ્યાં અન્યકૃષિ પેદાશોના ભાવ ઊંચા છે ત્યાં વાવેતરમાં અસર પડી શકે છે, પણ જ્યાં ઘઉં સિવાય વિકલ્પ નથી અને પરંપરાગત ખેતી કરતાં ખેડૂતો ઘરેલુ જ વાવેતર કરશે અને હવામાન સાથ આપશે તો ઘઉંની આવતી સીઝનમાં સારું ઉત્પાદન આવી શકે છે. સરકારે પણ નિકાસબંધી ખોલવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. હકીકતમાં ઘઉંને બદલે આટો, મેંદો, સુજી અને દલિયા વગેરેની આંતરરાષ્ટ્રીય બજાર મોટી છે. ભારતના ઘઉં અૉસ્ટ્રેલિયા બાદ સૌથી સારી ક્વૉલિટીના હોય છે. જેનો આંતરરાષ્ટ્રીય બજારમાં ડંકો વાગી શકે છે. 

સરકારે `ભારત' બ્રાન્ડ આટો બજારમાં મૂકતા નાના ચક્કી આટાના સેંકડો એકમો આવનારા સમયમાં મુશ્કેલમાં મૂકાઈ શકે છે. કારણ કે સરકારી બાબુઓએ દેખીતા કારણોસર આ યોજનામાં મોટી ફલોરમિલો તેમ જ બહુરાષ્ટ્રીય કંપનીઓને જૉબ વર્ક આપ્યું છે, આથી ખાનગી વેપાર કરનારાઓને નોંધપાત્ર અસર થઈ છે. બીજી તરફ  સરકારે ચૂંટણીલક્ષી વચનોમાં ફરીથી વધુ પાંચ વર્ષ માટે મફતમાં અનાજ આપવાની જાહેરાત કરતાં વેપારી સમાજ નારાજ છે. કહેવાતા ભ્રષ્ટાચારની ગંગોત્રી જેવી એફસીઆઈના  અધિકારીઓ અને રેશન માફિયાઓ અટ્ટહાસ્ય કરી રહ્યા છે. હકીકતમાં સરકારે ડાયરેક્ટ બેનીફીટ હોય લોકોના ખાતામાં સીધા પૈસા જમા કરાવવા જોઈએ. દિવાળીના તહેવારોમાં અનાજની ઘરાકી ઓછી હોય છે. રજાઓ પૂરી થતાં તે નીકળશે. સારા માલોની ખેંચ સીઝનના અંત સુધી રહેશે. દરેક રાજ્યોમાં બિયારણની માગ છે. જે દિવાળીથી ડિસેમ્બર સુધી જળવાઈ રહેશે. વેપારીઓ ચૂંટણીઓ પૂરી ન થાય ત્યાં સુધી મોટા વેપારના મૂડમાં નથી.

આ સપ્તાહમાં મિલબર ઘઉંના ભાવ ઘટીને પ્રતિ ક્વિન્ટલ રૂા. 2800 રહ્યા હતા. સૌરાષ્ટ્ર ટુકડી બેસ્ટના રૂા. 4000થી 4200, સુપરના રૂા. 4500 થી 5200 રહ્યા હતા. ઉત્તર ગુજરાત લોકવનના નીચામાં ઘટીને રૂા. 3000 મિડીયમના રૂા. 2300થી 3400,બેસ્ટના 3500થી 3800 ઉત્તર ગુજરાત ટુકડીના નીચામાં ઘટીને રૂા. 3000, મિડિયમના રૂા. 3300 થી 3400 અને બેસ્ટના રૂા. 3500થી 3800 ના મથાળે રહ્યા હતા.

એમપી લોકવનના એવરેજના ઘટીને રૂા. 3100 થી 3150, મિડિયમના રૂા. 3500થી 3600 સુપરના રૂા. 3680, લકઝરી રૂા. 4000થી 4200, એમપી ટુકડીના નીચામાં ઘટીને રૂા. 3100થી 3150, મિડિયમના રૂા. 3500થી 3600, સુપરના રૂા. 3680 અને લકઝરીના રૂા. 4000થી 4200ના મથાળે હતા.

એમપી માલવરાજના ઘટીને રૂા. 3050 થી 3100, એમપી શરબતીના રૂા. 4500થી 5000, શરબતી બરફના માલોના રૂા. 6000થી 6200ના મથાળે હતા.

રાજસ્થાન લોકવનના ઘટીને રૂા. 3300થી 3400 અને રાજસ્થાન ટુકડીના ઘટીને રૂા. 3250થી 3300 ના મથાળે રહ્યા હતા.