• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

માર્ચ 2025 સુધીમાં બૅન્કોની નબળી લોન ઘટીને 3.5 ટકા, વ્યાજનો ગાળો 2.9 ટકા થઈ જશે : એસઍન્ડપી ગ્લૉબલ 

કંપનીઓની તંદુરસ્ત બૅલેન્સ શીટ્સ, કડક અન્ડરરાઈટિંગ ધોરણો એનપીએ ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવશે

નવી દિલ્હી, તા. 19 : ભારતીય બૅન્કોની નબળી લોન (નોન-પર્ફોર્મિંગ એસેટ્સ) નાણાકીય વર્ષ 2023-24ના અંતે ઘટીને 4.5 ટકા અને નાણાકીય વર્ષ 2024-25ના અંતે 3.5 ટકા થવાનો અંદાજ એસએન્ડપી ગ્લોબલે રજૂ કર્યો છે. નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં નવો વધારો થવાની આશા નથી એમ તેનું માનવું છે. 

એસઍન્ડપી ગ્લોબલ રાટિંગ્સે તેના `ફોરવોર્ન્ડ ઇઝ ફોરઆર્મ્ડ' શિર્ષક ધરાવતા ગ્લોબલ બૅન્ક્સ કન્ટ્રી-બાય-કન્ટ્રી આઉટલુક 2024 પરના તેના અહેવાલમાં જણાવ્યું છે કે, કંપનીઓની તંદુરસ્ત બેલેન્સ શીટ્સ, કડક અંડરરાઈટિંગ ધોરણો અને સુધારેલી જોખમ વ્યવસ્થાપન પદ્ધતિઓને કારણે 31 માર્ચ, 2025 સુધીમાં બૅન્કિંગ ક્ષેત્રની નબળી લોન કુલ લોનના 3-3.5 ટકા સુધી ઘટી જવાનો અંદાજ છે.  

અહેવાલમાં એવી ધારણા રજૂ કરાઈ છે કે વૈશ્વિક વૃદ્ધિ અને વિદેશી માગ ધીમી પડવાથી આર્થિક પ્રવૃત્તિને અસર થશે અને ફુગાવાને વેગ મળશે. જોકે, ભારતનો વિકાસ સ્થાનિકલક્ષી છે તે જોતાં, તેના વિકાસને ઓછી અસર થવાની અપેક્ષા છે. તે ઉપરાંત આગામી બે વર્ષ માટે ધિરાણ ખર્ચ સામાન્ય થઈને 1.2 ટકા થવાનો અંદાજ છે.  

અહેવાલમાં રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસની લાગણીઓનો પડઘો પડ્યો છે. શક્તિકાંત દાસે તાજેતરમાં પર્સનલ લોનમાં `ખૂબ જ ઊંચી વૃદ્ધિ'ના જોખમ સામે ચેતવણી આપી હતી અને બૅન્કોને તેમની આંતરિક દેખરેખની પદ્ધતિને મજબૂત કરવા અને વધતાં જોખમ સામે પગલાં લેવા ચેતવણી આપી હતી. હવે તેણે અંગત લોનોને નિરુત્સાહ કરવા પગલાં લીધાં છે.  

એસઍન્ડપી ગ્લોબલે જણાવ્યું કે અનસિક્યોર્ડ પર્સનલ લોન ઝડપથી વધી છે અને તે એનપીએમાં વધારો કરી શકે છે. અમારું માનવું છે કે રિટેલ લોન માટે અન્ડરરાઇટિંગ ધોરણો સામાન્ય રીતે સ્વસ્થ હોય છે અને આ પ્રકારની લોનોમાં ડિફોલ્ટનું પ્રમાણ એકંદરે સ્વીકાર્ય મર્યાદામાં રહે છે.