• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

ભારતનું સોવરિન રેટિંગ સુધારવા મૂડી'ઝ સમક્ષ રજૂઆત

નવી દિલ્હી, તા. 16 (એજન્સીસ) : દેશના સોવરિન રેટિંગને સુધારવા માટે ચીફ ઈકોનોમિક એડ્વાઈઝર (સીઈએ) વી. અનંતા નાગેશ્વરનની આગેવાની નીચે નાણાં મંત્રાલયના અધિકારીઓ આજે ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડી'ઝ ઈન્વેસ્ટર્સ સર્વિસીસના અધિકારીઓને મળ્યા હતા. મૂડી'ઝે ભારતને સ્થિર આઉટલુક સાથે `બીએએ3'નો મૂડીરોકાણનો સૌથી નીચો ગ્રેડ આપ્યો છે. 

દેશના ચાવીરૂપ મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓએ રાષ્ટ્રના વર્તમાન આર્થિક સુધારાઓ, માળખાકીય સુવિધાઓના વિકાસ ઉપર સરકારનું ધ્યાન, 600 અબજ ડૉલરનું વિદેશી હૂંડિયામણ, ઘટતો જતો ફુગાવો અને અન્ય સમૃદ્ધ આર્થિક માપદંડોની અસરકારક રજૂઆત કરીને ભારત બહેતર રેટિંગ મેળવવા માટે હકદાર હોવાની રજૂઆત કરી હતી.

આ ઉપરાંત ભારતીય અધિકારીઓએ દેવાંની સ્થિતિ, જાહેર સાહસોના ડિસઈન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંકો અને રાજ્યોના અંદાજપત્રની ચર્ચા કરી હતી.

અમેરિકાસ્થિત રેટિંગ એજન્સીના ઉચ્ચ અધિકારીઓએ ભારતીય અર્થતંત્રની સકારાત્મકતાની નોંધ લીધી હતી.

15 જૂનના રોજ મૂડી'ઝે જણાવ્યું હતું કે ભારત તેની નાણાકીય મજબૂતી અને ક્રેડિટ પ્રોફાઈલને કારણે દેવાંનો ભાર વહન કરવા માટે સક્ષમ છે અને હવે દેવું પણ ઘટતું જશે. ભારત જ્યાં સુધી તેની જીડીપીનો સરેરાશ વિકાસદર જાળવી રાખશે ત્યાં સુધી દેવું સ્થિર રહેશે અથવા તે ઘટતું જશે, એમ મૂડી'ઝે જણાવ્યું હતું.

આ વર્ષની શરૂઆતમાં નાણાં મંત્રાલયના અધિકારીઓએ ફિચ અને એસઍન્ડપી નામની અન્ય બે રેટિંગ એજન્સીઓ સાથે આ પ્રકારની બેઠક યોજી હતી. આ બન્ને એજન્સીઓએ `બીબીબી' નામનું સ્ટેબલ આઉટલુક રેટિંગ મે મહિનામાં આપ્યું હતું.