• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

ભૂતપૂર્વ પત્નીની પ્રતિક્રિયા બાદ બીજાં લગ્ન વિશે આશિષ વિદ્યાર્થીએ કર્યો ખુલાસો  

અભિનેતા આશિષ વિદ્યાર્થીએ કોલકાતાની રહેવાસી રુપાલી બરુઆ સાથે બીજા લગ્ન કર્યા બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની કમેન્ટ્સ જોવા મળે છે. આશિષ અને રુપાલીની લગ્નની તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે. જોકે, અભિનેતાની પ્રથમ પત્ની રાજોશી ઉર્ફ પીલુ વિશે પણ ચર્ચા સાંભળવા મળે છે. આશિષ અને રાજોશીએ બાવીસ વર્ષ પહેલા લગ્ન કર્યા છે અને તેમને એક પુત્ર અર્થ છે. રાજોશી ટીવી અને નાટકોની અભિનેત્રી, રેડિયો જોકી તથા ગાયિકા છે. આશિષ અને રાજોશી છૂટાં પડયા એવું ઈન્ડસ્ટ્રીમાં કોઈને ઝાઝી ખબર ન હોવાથી અનેક લોકોને રુપાલી સાથેના લગ્નથી અચરજ થયું હતું. 

આશિષના બીજા લગ્નની તસવીર વાયરલ થયા રાજોશીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી હતી, યોગ્ય વ્યક્તિ કયારેય એવો સવાલ નહીં કરે કે તમે તેના માટે કેટલા મહત્ત્વના છો. તે એવું કોઈ કામ નહીં કરે જે તમારા માટે તકલીફદાયક હોય, યાદ રાખજો. ઓવર થિન્કિંગ અને શંકા તમારા મગજમાંથી હવે બહાર નીકળી ગઈ હશે. કદાચ ગુંચવણની જગ્યાએ હવે સ્પષ્ટતા આવી હશે. તમારા જીવનમાં શાંતિ રહે. તમે લાંબા સમયથી મજબૂત રહ્યા છો અને હવે આ સમય આવ્યો છે શુભેચ્છા લેવાનો. જેના તમે હકદાર છો.

રાજોશીની આ પોસ્ટ બાદ શરૂ થયેલી ચર્ચાનો જવાબ આપવા આશિષે એક વીડિયો મૂકયો છે. આ વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે, હું અને રાજોશી બાવીસ વર્ષ સાથે રહ્યા અને અમે સાથે ખૂબ સુંદર સમય વ્યતીત કર્યો છે. અમારો દીકરો છે જે અત્યારે વિદેશમાં છે. અમે સાથે ઘણું હર્યાફર્યા છીએ. પણ છેલ્લા થોડા વર્ષથી અમને એમ લાગ્યું કે અમારા જીવન ઉદ્દેશો અલગ અલગ થઈ ગયા છે. આથી અમે છૂટાં પડવાનો નિર્ણય લીધો હતો. જોકે, મને પહેલેથી હતું કે છૂટા પડયા બાદ હું બીજા લગ્ન કરીશ. મારે કોઈ સાથીની જરૂર હતી જે મારી સાથે હરેફરે. વરસ પહેલાં મને રુપાલી વિશે ખબર પડી અને ચેટિંગથી અમારી વાત શરૂ થઈ હતી. 

હેડલાઇન્સ