છેલ્લા થોડા સમયથી ઠગ સુકેશ ચંદ્રશેખર ચર્ચામાં છે. તેના પર રૂપિયા 200 કરોડના મની લૉન્ડરિંગનો આરોપ છે અને તે તિહાર જેલમાં બંધ છે. આ દરમિયાન સુકેશ અને બૉલીવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝની પ્રેમકથાની પણ ચર્ચા સાંભળવા મળે છે. હવે આ સત્ય ઘટના પરથી ફિલ્મ બનવાની છે. ફિલ્મમેકર આનંદકુમાર સુકેશના જીવન પર આધારિત ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા છે. તિહારના જેલર એએસપી દીપક શર્માએ કહ્યું કે સુકેશની વાર્તામાં લોકોને રસ પડશે. સુકેશની માહિતી મેળવવા આનંદકુમાર તિહાર જેલના અધિકારીઓને પણ મળ્યો હતો. ત્યાર બાદ દીપકે આનંદકુમાર સાથેની તસવીર સોશિયલ મીડિયા પર મૂકી હતી.
ભારતીય નેતાઓ, સેલિબ્રિટીઓ અને વેપારીઓને હચમચાવી મૂકનાર સુકેશના જીવન પરથી ફિલ્મ બની રહી છે તે જાણીને ઘણાએ તેમાં રસ દર્શાવ્યો છે. આ ફિલ્મની પટકથા લખવા માટે દિલ્હીની હોટલમાં ખાસ રૂમ બુક કરવામાં આવ્યો છે. અહીં જ આનંદકુમાર લેખક સાથે બેસીને ફિલ્મની વાર્તાને ડેવલપ કરશે. આવતા વર્ષે આ ફિલ્મનું શૂટિંગ થશે અને 2025માં તે રજૂ કરવાનો ઈરાદો આનંદકુમાર ધરાવે છે.