• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

`પ્રૉફેસર પાંડે કે પાંચ પરિવાર'નું દિગ્દર્શન કરશે માલવ રાજડા  

ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ભૂતપૂર્વ દિગ્દર્શક માલવ રાજડા હવે નવી કૉમેડી સિરિયલ પ્રૉફેસર પાંડે કે પાચ પરિવારનું દિગ્દર્શન કરશે. દિયા અને ટૉની સિંહ નિર્મિત આ સિરિયલમાં અભિનેતા સંદીપ આનંદ મુખ્ય ભૂમિકામાં છે. આ નવી શરૂઆત માટે ઉત્સાહિત માલવે જણાવ્યું હતું કે, પોતાની જાતને નવીનતા આપતા રહેવી જોઈએ. હું ચૌદ વર્ષથી તારક મહેત ઉલ્ટા ચશ્મા સાથે જોડાયેલો હતો. પરંતુ સર્જનાત્મકતાની દૃષ્ટિએ અટકી ગયો હતો. હું નવી શરૂઆત કરવા માગતો હતો. પ્રૉફેસર પાંડે કે પાંચ પરિવાર કૉમેડી શૉ છે. નવી ટીમ સાથે નવી જર્ની શરૂ કરી રહ્યો છું. 

માલવે નિર્માતાઓ સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેની પત્ની અભિનેત્રી પ્રિયા આહુજાએ તેને શુભેચ્છા આપી હતી. આ ઉપરાત તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો નિર્મલ સોની, સુયના ફોજડાર, જેનિફર મિત્રી, પલક સિધવાનીએ પણ માલવને શુભેચ્છા આપી હતી. 

માલવે પોતાની મહત્વાકાંક્ષાને વાચા આપતાં કહ્યું હતું કે, મારે કૉમેડી શૉમાં કંઈક અલગ કરવું છે. અત્યારે ટીવી અને ઓટીટી પર કૉમેડી જોનરમાં સારું કામ થઈ રહ્યું છે. લોકોને હસાવાવ સરળ નથી. ટીવીના લેખકો અને ક્રિયેટિવ ટીમ ઘણું સારું કરી રહી છે.