પ્રતિ વર્ષની જેમ ગોવામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ 20મીથી 24મી નવેમ્બર દરમિયાન યોજાયો છે. આ 54મા ફિલ્મોત્સવમાં ભારતીય સિનેમાના દિગ્ગજો હાજર રહેશે. ફિલ્મમેકર કરણ જોહર અને અભિનેત્રી સારા અલી ખાન અહીંની ઝાકઝમાળમાં ઉમેરો કરશે. 21મી નવેમ્બરે કરણ અને સારા આગામી ફિલ્મ એ વતન મેરે વતનનું ફર્સ્ટ લૂક રજૂ કરશે. આ ફિલ્મમાં સારા સ્વાતંત્ર્ય સેનાની ઉષા મહેતાની ભૂમિકા ભજવે છે. ઉષા મહેતાએ ભૂગર્ભ રેડિયો સ્ટેશન કૉંગ્રેસ રેડિયો ચલાવીને મહાન નેતાઓ જેલમાં હતા ત્યારે આઝાદીની ચળવળ જારી રાખી હતી. 1942માં ભારત છોડો આંદોલન વખતે ગાંધીજી સહિત તમામ મોટા નેતાઓને જેલમાં બેસાડી દેવામાં આવ્યા હતા. ત્યારે ઉષા મહેતાએ ભૂગર્ભ રેડિયો મારફતે આંદોલન સાથે જોડાયેલાઓનો સંપર્ક જાળવી રાખ્યો હતો. કાનન ઐયર દિગ્દર્શિત એ વતન મેરે વતન થિયેટરને બદલે સીધું પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે.