• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

ટીવીના સહકલાકારો વચ્ચે અતૂટ મૈત્રી  

જીવનમાં શ્રેષ્ઠ મિત્ર હોવો જરૂરી છે. એમ કહેવાય છે કે મિત્રો એ એવો પરિવાર છે જેને આપણે પસંદ કરીએ છીએ. દરેક ક્ષેત્રમાં સાથે કામ કરતાં કર્મચારીઓ વચ્ચે અનોખી મિત્રતા થઈ જતી હોય છે. ટીવી ક્ષેત્ર પણ આમાંથી બાકાત નથી. ઝી ટીવીના સહકલાકારો વચ્ચે અતૂટ મૈત્રી બંધન જોવા મળે છે. ભાગ્ય લક્ષ્મીની ઐશ્વર્યા ખરે, કુમકુમ ભાગ્યનો ક્રિષ્ના કૌલ, મૈત્રીની ભાવિકા ચૌધરી અને મૈં હું અપરાજિતાની અનુશ્કા મર્ચન્ડેએ આ વાત આનંદથી સ્વીકારી હતી. 

ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે, હું અને રોહિત સુચાંતિ ભાગ્ય લક્ષ્મીની શરૂઆતથી જ સારા મિત્રો છીએ. આ મિત્રતા હંમેશાં રહેશે એવું મને લાગે છે. અમે સહકલાકારો હોવાથી એકમેક પાસેથી ઘણું શીખીએ છીએ. રોહિત મને દરેક સંજોગોમાં સાચવી લે છે અને પરિવાર જેવો અનુભવ કરાવે છે. મૈત્રીમાં ભાવિકા ચૌધરી અને શ્રેણુ પરીખ મિત્રોમાંથી દુશ્મન બની ગયાં છે, પણ રિયલ લાઈફમાં આ બંનેની મિત્રતા સેટ પર ઉદાહરણરૂપ છે. ભાવિકાએ જણાવ્યું કે, મને હંમેશાં સાથે જ હોઈએ છીએ. અમે એકમેકને એટલા સારી રીતે ઓળખીએ છીએ કે મનની વાત શબ્દો વગર જ જાણી લઈએ છીએ.  મૈં હું અપરાજિતામાં છવીનું પાત્ર ભજવતી અનુશ્કા મર્ચન્ડેની સેટ પરની મિત્ર ધ્વનિ ઉર્ફે દિશા છે. તેણે કહ્યું હતું કે,ધ્વનિએ મને વિવિધ આકર્ષક સ્થળોનો પરિચય કરાવ્યો અને મારી ક્ષિતિજો વિસ્તરી છે. જો તે મારા રૂમમાં કશું અસ્તવ્યસ્ત જુએ તો તરત જ વ્યવસ્થિત ગોઠવી આપે છે. તે બધા કરતાં અલગ છે અને મને તેની મિત્ર હોવાનો ગર્વ છે.