• શનિવાર, 25 માર્ચ, 2023

વીસ વર્ષ બાદ જેકી શ્રોફ સુભાષ ઘાઈની ફિલ્મમાં

અભિનેતા જેકી શ્રોફે 66મો જન્મદિન ઊજવ્યો. તેને શુભેચ્છા આપતા સંદેશાથી સોશિયલ મીડિયા છલકાઈ ગયું હતું. આ બધામાં ફિલ્મમેકર સુભાષ ઘાઈની પોસ્ટ ધ્યાનાકર્ષક હતી. સુભાષ ઘાઈએ જેકીને લઈને પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરી હતી. તેણે પોતાની ફિલ્મ યાદેંનો જેકીનો ફોટો મૂકીને લખ્યું હતું એક વખતનો હીરો એ સદાકાળનો હીરો, અમારી 1983ની ફિલ્મ હીરો અને 2001ની યાદેંમાં નવા સુપરહીરોનો જન્મ થયો અને હવે 2023માં મુક્તા આર્ટસની આગામી ફિલ્મમાં આ સુપરહીરો ફરી જોવા મળશે. 

જોકે, આ પોસ્ટ સિવાય સંભાષે વધુ વિગત મૂકી નથી. જેકીએ સુભાષ ઘાઈની ફિલ્મ હીરોથી રૂપેરી પરદે હીરો તરીકે પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે મિનાક્ષી શેષાદ્રી હતી. આ ફિલ્મ શરૂઆતમાં ગમી નહોતી, પરંતુ પાછળથી તે સુપરહિટ થઈ હતી. ત્યારબાદ સુભાષ ઘાઈ અને જેકીએ કર્મા, રામ-લખન, સૌદાગર, ખલનાયક અને યાદેં જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. હવે બે દાયકા બાદ તેઓ ફરી સાથે કામ કરશે.