• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

જોગેશ્વરી ટર્મિનસ માટે રેલવે બોર્ડે મંજૂર કર્યા રૂા. 70 કરોડ  

મુંબઈને છઠ્ઠું અને પશ્ચિમ રેલવેને મળશે ચોથું ટર્મિનસ 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : પશ્ચિમ રેલવેમાં બાંદ્રા ટર્મિનસ, મુંબઈ સેન્ટ્રલ અને બોરીવલીથી રવાના થતી લાંબા અંતરની ટ્રેનો માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ થતાં તેનું સંચાલન કરવું એ અધિકારીઓ માટે મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે. મોટાં સ્ટેશનોનું સંચાલન સરળ બનાવવા તથા તેનું ભારણ ઓછું કરવા માટે પશ્ચિમ રેલવેમાં જોગેશ્વરી રેલવે ટર્મિનસ બનાવવામાં આવશે. આ માટે કોન્ટ્રાક્ટરની નિમણૂક કરવામાં આવી હોવાથી આગામી એક વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો થશે, એવું પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. આ સાથે મુંબઈને છઠ્ઠું અને પશ્ચિમ રેલવેને ચોથું ટર્મિનસ મળશે.

સૂત્રો દ્વારા આ અંગે મળી રહેલી માહિતી અનુસાર, જોગેશ્વરી ટર્મિનસનું કામ આવતા વર્ષે જૂન મહિનામાં પૂરું થશે. આ પ્રોજેક્ટ માટે રેલવે બોર્ડે રૂા. 70 કરોડ મંજૂર કર્યા છે. જોગેશ્વરી ટર્મિનસ પર પ્લૅટફૉર્મ, અપ્રોચ રોડ, બુકિંગ અૉફિસ, કન્ટ્રોલ ટાવર, ફૂટ ઓવર બ્રિજ બાંધવામાં આવશે. વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઈ-વે પરથી આ ટર્મિનસ પર સહેલાઈથી પહોંચી શકાશે. આ સાથે ટર્મિનસને મેટ્રો લાઈન સાત (અંધેરી-દહીસર) અને મેટ્રો લાઈન છ (લોખંડવાલા-વિક્રોલી) સાથે જોડવામાં આવશે. આ સાથે રામ મંદિર અને જોગેશ્વરી ટર્મિનસ વચ્ચેનું અંતર 500 મીટર હોવાથી રામ મંદિર રેલવે સ્ટેશન પર વિરાર દિશા તરફ આવેલા એફઓબીને ટર્મિનસ સાથે કનેક્ટ કરવામાં આવશે.

પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને બાંદ્રા ટર્મિનસથી ઊપડતી 12 ટ્રેનોને જોગેશ્વરી ટર્મિનસથી ઓપરેટ કરવાની અને આ સાથે નવી સેવાઓ દોડાવવાની યોજના બનાવી રહી છે. આ ઉપરાંત, તેજસ એક્સ્પ્રેસ અને વંદે ભારતને પણ નવા ટર્મિનસ પર દોડાવવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. બાંદ્રા ટર્મિનસ, દાદર અને મુંબઈ સેન્ટ્રલ પરથી એક્સ્પ્રેસ ટ્રેનોનું ભારણ ઓછું થતાં લોકલ સેવામાં વધારો કરવાનો માર્ગ પણ મોકળો બની જશે. 

હેડલાઇન્સ