• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

કોવિડમાં માતા ગુમાવનાર પ્રજ્ઞાચક્ષુ સોહને 12મીમાં 80.83 ટકા માર્ક્સ મેળવ્યા

મુંબઈ, તા. 26 : મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે ગુરુવારે બારમા ધોરણનું પરિણામ જાહેર કર્યું હતું, જેમાં કોવિડમાં માતા ગુમાવનારા અને જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ (નેત્રહીન) સોહન કુમારે 80.83 ટકા માર્ક્સ મેળવ્યા હતા. સોહન કુમાર થાણેનો રહેવાસી છે. સોહન કુમારની સંઘર્ષગાથા અને તેને મળેલી સફળતા કોઈ પરીકથા સમાન લાગે છે. 

કોવિડ મહામારી દરમિયાન ઇલાજના અભાવથી તેની માતાનું અવસાન થયું હતું. તે વખતે સોહને દસમા ધોરણની પરીક્ષામાં 63.20 ટકા માર્ક્સ મેળવ્યા હતા અને તેમના પિતાને પણ એવી આશા બંધાઈ હતી કે પરિવારમાં તેનો નેત્રહીન પુત્ર જ રોશની ફેલાવી શકશે અને તે માટે તેના પિતાએ તેની અૉટોરિક્ષા વેચી દીધી હતી. ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના કુસુમી કુંવરના મૂળ નિવાસી રામ આશિષ ભટ્ટના પુત્ર સોહન કુમારને સ્નાતક થયા બાદ યુપીએસસીની પરીક્ષા આપીને કલેક્ટર બનવું છે. સોહને આઠમા ધોરણમાં જ કલેક્ટર બનવાનું સપનું જોયું હતું અને આર્ટ્સમાં પ્રવેશ લીધો હતો.

ઇતિહાસમાં વધુ રસ ધરાવતા સોહને જણાવ્યું હતું કે કલેક્ટર બનીને તેઓ એવા લોકોને તક આપવા માગે છે જેઓ કોઈ પણ કારણસર પાછળ રહી ગયા છે.

સોહનના પિતા રામ આશિષ રોજીરોટીની તલાસમાં 32 વર્ષ પહેલાં થાણા આવ્યા હતા અને ત્યાં જ રહી ગયા હતા. અૉટોરિક્ષા ચલાવીને આજીવિકા રળનારા રામ આશિષને બે પુત્રો છે. એમાં સોહન નાનો છે. તેમની પત્ની કોવિડ વખતે બીમાર પડી હતી અને ઇલાજ નહીં થવાથી તેનું અવસાન થયું હતું. મોટા પુત્ર મોહને ખાનગી ઈ-કૉમર્સ કંપનીમાં કામ કરીને ઘરને આર્થિક મદદ કરવાનું શરૂ કર્યું હતું. સોહનના અભ્યાસ માટે આશિષને મજબૂરીથી અૉટોરિક્ષા વેચવાની ફરજ પડી હતી. જોકે, બારમાની પરીક્ષાનાં પરિણામ બાદ તેમને આનંદ થયો હતો અને તેમના પુત્રે તેમની આંખોમાં નવી રોશની ભરી દીધી છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ