• શુક્રવાર, 29 માર્ચ, 2024

મલબાર હિલના રિજ રોડ પાર્કિંગ પ્રકરણે અરવિંદ સાવંતે રહેવાસીઓને આપ્યું આશ્વાસન  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 26 : મલબાર હિલના રિજ રોડ પર રાતોરાત નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવતાં સ્થાનિકોને વાહન પાર્ક કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે 

ત્યારે શિવસેના (યુબીટી) નેતા અરવિંદ સાવંતે સ્થાનિકોની મુલાકાત લઈને આ સમસ્યાનો ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું હતું.અરવિંદ સાવંતે મલબાર હિલના રિજ રોડ પર રહેતા સ્થાનિકોની શુક્રવારે સવારે મુલાકાત લીધી હતી અને આ સમસ્યાનું સમાધાન લાવવા માટે તેઓ મદદ કરશે એવું જણાવ્યું હતું. નોંધનીય છે કે છેલ્લાં 60 વર્ષથી આ વિસ્તારમાં પાર્કિંગને કારણે કોઈ સમસ્યા સર્જાઈ નહોતી, પરંતુ રાતોરાત તેને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. સ્થાનિકો પોતાનાં વાહનો પાર્ક કરે તો તેમની પાસેથી આરટીઓ દ્વારા 1500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હોવાનું મલબાર હિલ રેસિડન્ટ્સની કોર કમિટીના મેમ્બર પ્રકાશ મુનશીએ જણાવ્યું હતું . 

દરમિયાન વિધાનસભ્ય મંગલપ્રભાત લોઢાએ પણ એડિશનલ પોલીસ કમિશનર નિસાર તંબોલી સાથે 19મી એપ્રિલ, 2023ના રહેવાસીઓ સાથે મુલાકાત કરી હતી  તેમ છતાં હજી સુધી આ સમસ્યાનો કોઇ નિકાલ આવ્યો ન હોવાનું તેમણે જણાવ્યું હતું. 

 અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાફિક વિભાગ અને ધ્વનિ પ્રદૂષણ વિભાગ દ્વારા ડી વૉર્ડમાં મલબાર હિલના બી. જી. ખેર માર્ગ (રિજ રોડ)ને નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે ત્યારે રાતોરાત આ નિયમ લગાવવામાં આવ્યા બાદ રહેવાસીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મલબાર હિલના રહેવાસીઓ દ્વારા પોલીસ અધિકારીઓ, સાંસદો, વિધાનસભ્યો અને અન્ય નેતા-અધિકારીઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ અત્યાર સુધી તેમને ફક્ત આશ્વાસનો જ મળ્યા છે. હજી સુધી તેમની સમસ્યાનો કોઇ નિકાલ ન આવ્યો હોવાનું મુનશીએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક