• શનિવાર, 25 માર્ચ, 2023

14 ડેવલપરોને મહારેરાની કારણ દર્શાવો નોટિસ  

નોંધણી ક્રમાંક વિના જાહેરખબર 

મુંબઈ, તા. 17 : રેરા કાયદાની જોગવાઇ અનુસાર મહારેરા નોંધણી ક્રમાંક વિના ગૃહનિર્માણ પ્રકલ્પમાંના ઘરના વેચાણ પ્રકલ્પની જાહેરાત કરી શકાય નહીં. આ નિયમનું ઉલ્લંઘન કરી અનેક ડેવલપર મહારેરા નોંધણી ક્રમાંક વિના જ પ્રકલ્પોની જાહેરાત કરી ગ્રાહકોની છેતરપિંડી કરતા હોવાનું અૉથોરિટીએ નોંધ્યું હતું. આ મામલે ગંભીર નોંધ લઇને મહારેરાએ હવે આવા પ્રકલ્પોના ડેવલપરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. સ્વાધિકારના સુઓમોટોનો ઉપયોગ કરીને 14 ડેવલપરોને કારણ દર્શાવો નોટિસ બજાવવામાં આવી છે. ડેવલપરો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. 

જુદા જુદા જાહેરખબરો અને વૃત્તમાનપત્રોમાં કેટલાક ગૃહપ્રકલ્પોની જાહેરાતોમાં મહારેરા રજિસ્ટ્રેશન નહીં હોવાનું જાણવા મળ્યા બાદ મહારેરાએ આ બાબતની ગંભીર નોંધ લઇને પોતાના સ્વાધિકારનો ઉપયોગ કરી 14 ડેવલપરોને કારણ દર્શાવો નોટિસ બજાવી છે. નોટિસ મળતાં જ સાત દિવસમાં સંબંધિત ડેવલપરે યોગ્ય જવાબ નહીં આપતા તેની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થશે. મહારેરાએ કારણ દર્શાવો નોટિસ બજાવી એવા 14 ડેવલપરો પૈકી પાંચ મુંબઈના, પુણે તથા નાગપુરમાં ત્રણ-ત્રણ, નાશિકમાં બે અને ઔરંગાબાદમાં એક ડેવલપરનો સમાવેશ થાય છે.