• શનિવાર, 25 માર્ચ, 2023

સહકારી બૅન્કમાં ભરતી રોકવાનો શિંદેનો નિર્ણય હાઈ કોર્ટે રદ કર્યો  

મુંબઈ, તા. 17 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ચંદ્રપુર ડિસ્ટ્રિક્ટ કો-અૉપરેટીવ બૅન્કની ભરતીની પ્રક્રિયા સામે આપેલા મનાઈહુકમને મુંબઈ હાઈ કોર્ટની નાગપુર બેન્ચે રદ કર્યો છે. વડી અદાલતે જણાવ્યું છે કે સંબંધિત પ્રધાને લીધેલા નિર્ણયની સમીક્ષા કે ફેરફાર કરવાનો મુખ્ય પ્રધાનને અધિકાર નથી. ન્યાયાધીશો વિજય જોશી અને વાલ્મિકી એસ. એ. મૅનેજિસની બનેલી ખંડપીઠે ગત ત્રીજી માર્ચે આપેલા આદેશમાં જણાવ્યું છે કે શિંદેનો નિર્ણય પૂર્ણપણે અયોગ્ય અને તેમના અધિકાર ક્ષેત્રની બહાર હતો. સહકારી બૅન્ક અને સંતોષસિંહ રાવત નામના વ્યવસાયી દ્વારા નોંધાવવામાં આવેલી અરજી અંગે બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. સંતોષસિંહ રાવત બાદમાં શિંદેના નિર્ણયનો વિરોધ કરીને અધ્યક્ષપદે ચૂંટાયા હતા.

અરજદારે બેન્ચને જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાને સ્થાનિક નેતાઓના કહેવાથી ઉક્ત આદેશ આપ્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાનની પાસે `કાર્ય નિયમાવલી અને નિર્દેશો' અનુસાર પ્રભારી પ્રધાન દ્વારા લેવાયેલા નિર્ણયની સમીક્ષા કે ફેરફાર કરવાનો અધિકાર નથી. મુખ્ય પ્રધાન શિંદેને નવેમ્બર, 2022માં સહકારી બૅન્કના કર્મચારીઓની ભરતીની પ્રક્રિયા અટકાવી દેવાનો આદેશ આપ્યો હતો.