• શનિવાર, 25 માર્ચ, 2023

નવા રોકાણકારોનાં રજિસ્ટ્રેશનમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને  

17 લાખ નવા ઈન્વેસ્ટરોનું રજિસ્ટ્રેશન થયું

મુંબઈ, તા. 17 : નવા રોકાણકારોનાં રજિસ્ટ્રેશનમાં રાષ્ટ્રીય સ્તરે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે. એનએસઈ (નેશનલ સ્ટૉક એક્સ્ચેન્જ)ના રિપોર્ટ મુજબ એપ્રિલ, 2022થી જાન્યુઆરી, 2023 દરમિયાન રાષ્ટ્રીય સ્તરે 110 લાખ નવા ઈન્વેસ્ટરોનું રજિસ્ટ્રેશન થયું છે. એમાં મહારાષ્ટ્રનો હિસ્સો સૌથી વધુ 15.50 ટકાનો રહ્યો છે. આ સમયગાળામાં મહારાષ્ટ્રમાં 17 લાખ નવા રોકાણકારોનું રજિસ્ટ્રેશન થયું છે.

નવા રોકાણકારોનાં રજિસ્ટ્રેશનમાં ઉત્તર પ્રદેશ બીજાં સ્થાને છે. જોકે, ઉત્તર પ્રદેશમાં નવા ઈન્વેસ્ટરોનાં રજિસ્ટ્રેશનમાં 2.90 ટકાનો ઘટાડો થયો છે. નવા ઈન્વેસ્ટરોમાં ઉત્તર પ્રદેશનો હિસ્સો 13.40 ટકા રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં 15 લાખ નવા રોકાણકારોનું રજિસ્ટ્રેશન થયું છે.

નવા ઈન્વેસ્ટરોનાં રજિસ્ટ્રેશનમાં ગુજરાતનો હિસ્સો 6.20 ટકા અને રાજસ્થાનનો છ ટકાનો રહ્યો છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન એ ત્રણ અગ્રણી રાજ્યો છે એમાં નવા રોકાણકારોનાં રજિસ્ટ્રેનમાં 39 ટકાનો ઘટાડો થયો છે. દિલ્હી 10મા સ્થાને પહોંચી ગયું છે. એનો હિસ્સો ઘટીને પાંચ ટકા થયો છે. દિલ્હીમાં નવા રોકાણકારોનાં રજિસ્ટ્રેનમાં 44 ટકાનો ઘટાડો થયો છે. નવા ઈન્વેસ્ટરોનાં રજિસ્ટ્રેનમાં બિહાર, તામિલનાડુ અને કર્ણાટકનો હિસ્સો 16 ટકાનો રહ્યો છે.

દિલ્હી અને મુંબઈ ટોપનાં સ્થાને જિલ્લા મુજબ ઈન્વેસ્ટરોની વિગત જોઈએ તો દિલ્હી અને મુંબઈએ પ્રથમ અને દ્વિતીય સ્થાન જાળવી રાખ્યું છે. આ બે ડિસ્ટ્રિકટનો હિસ્સો 11.80 ટકાનો રહ્યો છે. પુણેનો હિસ્સો 1.80 ટકા, બેંગલુરુનો 1.40 ટકા, અમદાવાદનો 1.10 ટકા અને સુરતનો એક ટકા હિસ્સો રહ્યો છે. ટોપ-10 જિલ્લાઓમાં અમદાવાદ અને સુરત સિવાય અન્ય બધા જ જિલ્લામાં નવા રોકાણકારોનાં રજિસ્ટ્રેનમાં વધારો થયો છે.

કેશ માર્કેટના કુલ ટર્નઓવરમાં જાન્યુઆરી, 2023માં ટોપ-10 જિલ્લાઓનો હિસ્સો 44.50 ટકાનો રહ્યો હતો. દિલ્હીનો હિસ્સો 10.70 ટકા અને મુંબઈનો 13.70 ટકાનો રહ્યો હતો.

જાન્યુઆરી, 2023માં મૂડીબજારના કુલ ટર્નઓવરમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો 17 ટકા અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનો 12.90 ટકાનો રહ્યો હતો. રિટેલ રોકાણકારોનો હિસ્સો  33.90 ટકા રહ્યો હતો. કેશ માર્કેટના ટર્નઓવરમાં નાણાકીય વર્ષ 2016માં રિટેલ રોકાણકારોનો હિસ્સો 33 ટકાનો હતો. એ નાણાકીય વર્ષ 2021માં વધીને 45 ટકાનો થયો છે.