• શનિવાર, 25 માર્ચ, 2023

મહિલાઓને એસટી બસના ભાડામાં પચાસ ટકાની છૂટ

મુંબઈ, તા. 17 : મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (એમએસઆરટીસી)ની બસમાં પ્રવાસ કરનારી મહિલાઓને ટિકિટના દરમાં 50 ટકાની છૂટની જાહેરાત કરી છે. શુક્રવારથી જ આ સુવિધા લાગુ કરી દેવામાં આવી છે. આ સુવિધા અંતર્ગત મહારાષ્ટ્રની મહિલાઓ એસટીની બસ દ્વારા રાજ્યમાં જ્યાં પણ પ્રવાસ કરશે ત્યાં બસભાડામાં 50 ટકાની રાહત મળશે. 

ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશને જણાવ્યા મુજબ મહિલાઓને આ લાભ આપવા માટે રાજ્ય સરકાર એમએમઆરટીસીને રાહતની રકમની ભરપાઈ કરશે. નવમી માર્ચે નાયબ મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રજૂ કરેલા બજેટમાં જાહેર પરિવહનની બસોમાં તમામ મહિલા પ્રવાસીઓને 50 ટકાની રાહત આપવાની જાહેરાત કરી હતી. એનાં જ આધારે તમામ મહિલાઓ 17મી માર્ચથી એસટીની બસોમાં અડધું ભાડું જ ચૂકવવું પડશે.

50 લાખથી વધુ પ્રવાસીઓ સફરના અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં 15,000થી વધુ સરકારી બસો છે. એમાં દરરોજ 50 લાખથી વધુ લોકો પ્રવાસ કરે છે. કૉર્પોરેશને જાહેર કર્યા મુજબ હવે એમએસઆટીસીમાં વિવિધ સામાજિક જૂથોને ટિકિટો પર 33 ટકાથી 100 ટકા સુધીની છૂટ પ્રદાન કરવામાં આવી છે.

કૉર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે કુલ પ્રવાસીઓની સરખામણીમાં મહિલા પ્રવાસીઓની સંખ્યા 35થી 40 ટકા જેટલી હશે. અત્રે ઉલ્લેખનીય છે કે આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે રાજ્ય સરકારે એસટીની બસોમાં 75 વર્ષથી વધુ વયના પ્રવાસીઓને 100 ટકા રાહત અને 65થી 74 વર્ષ સુધીની વયના નાગરિકોને 50 ટકા રાહતની જાહેરાત કરી હતી.