• બુધવાર, 24 એપ્રિલ, 2024

જુલાઈમાં ડેન્ગ્યુના કેસ 64 ટકા વધ્યા : મલેરિયા અને લેપ્ટો પણ માથું ઊંચકે છે  

મુંબઈ, તા. 2 : જુલાઈ મહિનામાં શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે ડેન્ગ્યુ, મલેરિયા અને લેપ્ટોના કેસમાં વધારો થયો હતો. બીએમસીના આંકડા મુજબ ડેન્ગ્યુના કેસમાં 64 ટકાનો વધારો નોંધાયો હતો. જૂનમાં ડેન્ગ્યુના કેસ 353 હતા તે વધીને જુલાઈમાં 579 થયા હતા. 

ડેન્ગ્યુની સરખામણીમાં મલેરિયાના કેસમાં એટલો બધો વધારો થયો ન હતો. જૂનમાં શહેરમાં મલેરિયાના 676 કેસ નોંધાયા હતા, જ્યારે જુલાઈમાં 721 કેસ નોંધાયા હતા. જુલાઈમાં ડેન્ગ્યુથી શહેરમાં બે જણના શંકાસ્પદ મોત થયાં હતાં. જોકે, બીએમસીએ તેના સત્તાવાર આંકડામાં હજી આ મોતને સામેલ કર્યા નથી. બીએમસીએ જણાવ્યું હતું કે, પાણીજન્ય રોગ કેસમાં વધારો થયો ન હતો, પરંતુ વેકટર બોર્ન (મચ્છર અને માખીથી ફેલાતાં હોય)ના રોગના કેસમાં વધારો થયો હતો.

બીએમસીનાં કાર્યવાહક આરોગ્ય અધિકારી ડૉ. દક્ષા શાહે જણાવ્યું હતું કે, મોટા ભાગના આ કેસ હળવા હતા અને હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નહોતી. પાણીજન્ય રોગ લેપ્ટોસ્પારોસીસ સામાન્ય રીતે વરસાદના મહિનાઓમાં દેખા દેતો હોય છે અને જુલાઈમાં આ રોગના કેસમાં 290 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જૂનમાં લેપ્ટોના 97 કેસ હતા તે વધીને જુલાઈમાં 377 થઈ ગયા હતા. પગમાં જખમ સાથે જો કોઈ વ્યક્તિ વરસાદનાં પાણીમાં ચાલે તો તેણે 72 કલાકની અંદર ડૉક્ટરની સારવાર ચાલુ કરી દેવી જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક