• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

નીતિન દેસાઈ આત્મહત્યા પ્રકરણે કરજદારોની ભૂમિકાની તપાસ થશે : દેવેન્દ્ર ફડણવીસ  

મુંબઈ, તા. 3 : વિખ્યાત આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈની આત્મહત્યા બાદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં ગુરુવારે જણાવ્યું હતું કે, નેશનલ એવૉર્ડ વિજેતા રહી ચૂકેલા નીતિન દેસાઈની આત્મહત્યા ગંભીર બાબત કહેવાય. આ પ્રકરણે દેસાઈને લોન આપનારી ખાનગી કંપનીની ભૂમિકાની તપાસ કરવામાં આવશે. શું આ કંપની વધુ વ્યાજ વસૂલતી હતી અને શું દેસાઈ ડિપ્રેશનમાં હતા? આ તમામ સવાલોના જવાબ સઘન તપાસ બાદ મળી શકશે. કર્જતમાં આવેલા તેમના એનડી સ્ટુડિયોને સરકાર પોતાના તાબામાં લઈ શકે છે અથવા સંરક્ષિત રાખવામાં આવી શકે છે. 

દરમિયાન કૉંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારની વિપક્ષ નેતા પદે સત્તાવાર નિમણૂક થયા બાદ ફડણવીસે જણાવ્યું હતું કે, વિજય વડેટ્ટીવાર સંવેદનશીલ નેતા છે. સરકાર દ્વારા થતી ભૂલો કે તેમનાથી ચુકાઈ ગયેલા મુદ્દાઓ પ્રત્યે ધ્યાન દોરવાનું કામ વડેટ્ટીવારે કર્યું છે. તેમના અનુભવનો ફાયદો સભાગૃહને જરૂર થશે. વિપક્ષ નેતાના પદનું માન સન્માન વધારવા માટે તથા જનતાના હિત માટે તેઓ કામ કરશે.

દરમિયાન ખેડૂતોની આત્મહત્યા, સિંચાઈ, વરસાદને કારણે પાકને નુકસાન, જમીનોના નુકસાન અંગે વિધાનસભા તેમ જ વિધાન પરિષદમાં વિપક્ષ આક્રમક રહ્યો હતો.

સમૃદ્ધિ એક્સ્પ્રેસવે ઉપર વાહનચાલકોની તપાસ માટે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરાશે 

મહારાષ્ટ્રના પ્રધાન દાદા ભુસેએ ગુરુવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે સમૃદ્ધિ એક્સ્પ્રેસ વે ઉપર ભારે અને જાહેર પરિવહનનાં વાહનોના ચાલકોની તપાસ માટે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરાશે. એક્સ્પ્રેસ વે ઉપર હલકાં વાહનોને વેગમર્યાદા 120 કિમી પ્રતિ કલાક અને ભારે વાહનો માટે વેગમર્યાદા 80 કિમી પ્રતિ કલાક રાખવામાં આવી છે. વાહનો દ્વારા વારંવાર લેન બદલવા ઉપર નજર રખાશે. એક્સ્પ્રેસ વે ઉપર પરિવહન નિયમો અંગે જાગૃતિ ફેલાવવાં હોર્ડિંગ્સ અને બેનરો મુકાશે.