• શનિવાર, 25 માર્ચ, 2023

શાકભાજીના દર અઠવાડિયામાં થયા બમણા

મુંબઈ, તા. 17 : વાશીની એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવક ઘટતાં ભાવ વધવા લાગ્યા છે. જથ્થાબંધ માર્કેટમાં શાકભાજીના દર અઠવાડિયામાં જ બમણા થઈ ગયા છે. સરગવાની સિંગ, મગફળી અને લીલા મરચાંનાં ભાવમાં પણ વધારો થયો છે. શિયાળાની શરૂઆતમાં શાકભાજીની આવક મોટા પ્રમાણમાં થઈ રહી હતી. રોજ 3000 ટન કરતાં વધુ આવક થવાથી શાકભાજીના ભાવ ઘટયા હતા, પરંતુ હવે શાકભાજીની આવક ઘટી છે. સોમવારે 569 ટૅમ્પોમાં 2903 ટન શાકભાજી બજારમાં આવ્યા હતા. એમાં 5.35 લાખ ઝૂડી લીલા પાંદડાવાળી શાકભાજીનો સમાવેશ થાય છે. રાજ્યના વિવિધ વિસ્તારમાંથી શાકભાજી અહીં આવે છે. વટાણા મધ્ય પ્રદેશથી તો કેટલાક શાકભાજી ગુજરાતથી આવે છે. 

શાકભાજીની આવક ઓછી થવાથી દરમાં વધારાની શરૂઆત થઈ છે. એક અઠવાડિયા પહેલાં છથી આઠ રૂપિયા કિલોગ્રામના ભાવે વેચાતા ફ્લાવરના દર રૂા. 14થી 20 થઈ ગયા છે. સરગવાની સિંગના ભાવ રૂા. 60થી 80 પરથી રૂા. 70થી 100 થઈ ગયા છે. ગત સોમવારે જ્વાલા મરચાંના ભાવ કિલોગ્રામના રૂા. 20થી 28 હતા જે હવે રૂા. 40થી 50 થઈ ગયા છે. ટામેટા, વટાણા, વાલોળ, કાકડી અને અન્ય શાકભાજીના દર પણ વધ્યા છે. આવકમાં ઘટાડો અને માગમાં વધારાને કારણે ભાવમાં ફરક પડયો હોવાનું વેપારીઓ જણાવે છે.

નવમી જાન્યુઆરીથી 16મી જાન્યુઆરી સુધીમાં ફણસીના કિલોગ્રામના ભાવ રૂા. 15-25થી રૂા. 25-45, ફલાવરના રૂા. 6-8થી રૂા. 14-20, વાલોળ રૂા. 30-36થી રૂા.40-60, કાકડી રૂા. 15-22થી રૂા. 16-24, સિમલા મરચાં રૂા. 20-28થી 20-40, ટામેટા રૂા. 7-10થી રૂા. 10-18, વટાણા રૂા. 18-26થી રૂા. 26-30, રિંગણ રૂા. 18-24ના રૂા. 20-40 અને ભીંડાના દર રૂા. 25-50થી 30-52 થઈ ગયા છે. મુંબઈગરાને શિયાળાની ઠંડી સાથે શાકભાજીના ભાવ પણ હવે થથરાવી રહ્યા છે.