• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

મેટ્રો-સાત અને મેટ્રો-ટુએ પ્રવાસીઓની સેવામાં

મુંબઈ, તા. 20  : મેટ્રો-સાત અને મેટ્રો-ટુએ કૉરિડોરનો બીજો તબક્કો સામાન્યજનો માટે શુક્રવારથી શરૂ થઈ ગયો છે. 20મી જાન્યુઆરીએ બપોરે ચાર વાગ્યાથી આ રૂટ શરૂ થઈ ગયો છે. 21 જાન્યુઆરીથી સવારે 5.25 વાગ્યાથી રાત્રે 22.50 વાગ્યા સુધી મેટ્રો સેવા ઉપલબ્ધ રહેશે. એમએમઆરડીએ જણાવ્યા મુજબ ધસારાના સમયે દર આઠ મિનિટે અને નૉન પીક અવર્સમાં દર 10 મિનિટે મેટ્રો સેવા ઉપલબ્ધ હશે. દહાણુકરવાડીથી ગુંદવલી માટે સવારે પહેલી ટ્રેન 5.25 વાગ્યે રવાના થશે. 35 કિ.મી.ના લાંબા રૂટ પર છેલ્લી ટ્રેન દહિસરથી દહાણુકરવાડી માટે રાત્રે 22.50 વાગ્યે ઊપડશે.

2308 પ્રવાસી ક્ષમતા

પ્રવાસીઓને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે મેટ્રો માર્ગ પર છ ડબાની કુલ બાવીસ ટ્રેનનો ઉપયોગ થશે. એક ટ્રેનમાં એકસાથે 2,308 પ્રવાસી પ્રવાસ કરી શકે છે. એમાંથી 310 પ્રવાસી બેસીને અને 1,998 પ્રવાસી ઊભા રહીને પ્રવાસ કરી શકશે.

તમામ ટિકિટ એક કાર્ડ પર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ધ નેશનલ કૉમન મોબિલિટી કાર્ડ (એનસીએમસી)નું ઉદ્ઘાટન ર્ક્યું હતું. આ કાર્ડ દ્વારા પ્રવાસીઓને બેસ્ટની બસ અને મેટ્રોની ટિકિટ ખરીદવા માટે જુદું જુદું કાર્ડ લેવું નહીં પડે. આગામી દિવસોમાં આ કાર્ડથી લોકલ ટ્રેનની ટિકિટ પણ કાઢી શકાશે. મુંબઈ-1 ઍપના માધ્યમથી પ્રવાસીઓ અૉનલાઈન ટિકિટ ખરીદીને પેપરલેસ પ્રવાસ કરી શકશે. આ ટેક્નિક અંતર્ગત પ્રવાસીના મોબાઈલ ફોન પર આવેલા ક્યુઆર કોડ દ્વારા પ્રવાસીઓ મેટ્રો સ્ટેશનમાં પ્રવેશી અને બહાર નીકળી શકશે.

મેટ્રો-સાત અને મેટ્રો-ટુએ કૉરિડોરના માર્ગ પર દહિસર (પૂર્વ) સ્ટેશન કૉમન હશે. મેટ્રોના બંને કૉરિડોરને ઘાટકોપરથી વર્સોવા વચ્ચે ચાલી રહેલી મેટ્રો-1 સાથે પણ કનેક્ટ કરાઈ છે. અંધેરી (પશ્ચિમ) અને ગુંદવલી સ્ટેશનથી પ્રવાસીઓ મેટ્રો-1ના રૂટ પર પહોંચી શકશે.

પહેલી ટ્રેન : દહાણુકરવાડીથી ગુંદવલી 5.25 વાગ્યે અને દહાણુકરવાડીથી અંધેરી (પશ્ચિમ) 5.50 વાગ્યે

છેલ્લી ટ્રેન : અંધેરી (પશ્ચિમ)થી ગુંદવલી 21.22 વાગ્યે અને ગુંદવલીથી અંધેરી (પશ્ચિમ) 21.22 વાગ્યે.