• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

મુલુંડ પશ્ચિમ સ્થિત ગૌશાળા બચાવવા કાનૂની લડત લડી લેવાનો નિર્ધાર

રવિવારે મૂક રૅલીમાં બે હજાર લોકો જોડાયા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : મુલુંડ પશ્ચિમના એલબીએસ રોડ ઉપર આવેલી 120 વર્ષ જૂની નથુલાલજી ચૅરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા આવેલી છે. અંદાજે 100 એકરમાં આવેલી જૂની ગૌશાળા સ્થાપિત હિતોને લીધે એકાદ એકરમાં સંકેલાઈ ગઈ છે. અહીં બાકી રહેલી 350 ગાયોને અન્યત્ર સ્થળાંતર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે એની જાણ થતાં જીવદયા પ્રેમીઓ રસ્તા ઉપર ઊતરી આવ્યા હતા. આ ગૌશાળા બચાવી લેવા પશુપ્રેમીઓએ કાયદાકીય લડત લડી લેવાનો નિર્ધાર કર્યો છે. 

આ ગૌશાળાના ગૌવંશનું સ્થળાંતર નહીં પણ અહીં જ સ્થાયીકરણના હેતુથી મુલુંડ પશ્ચિમમાં રવિવારે સવારે ઝવેર રોડ દેરાસરથી કાઢવામાં આવેલી મૂક રૅલીમાં જુદા જુદા સમાજના લોકો મળીને કુલ 2000ની જનમેદની જોડાઈ હતી. આ રૅલીમાં 300થી વધુ બૅનરો લઈને લોકો ચાલતા જોવા મળ્યા હતા. ગૌશાળાના દરવાજા સામે આ રૅલી જઈને ઊભી રહી હતી. ગૌવંશના સ્થળાંતરનો મૂક વિરોધ કરાયો હતો, પરંતુ જો હવે સ્થળાંતરની તજવીજ કે કાર્યવાહી થશે તો આંદોલન ઉગ્ર બનશે. આ રૅલીને અંબાજી ધામ, બાલરાજેશ્વર મંદિર, સંતોષી માતાના મંદિરે પણ ટેકો આપ્યો હતો. ઉદાસીન આશ્રમના દયાનંદ સરસ્વતી મહારાજ, સાધુઓ રૅલીમાં જોડાયા હતા. 

આ વિરોધમાં ભાગ લેનાર માન્યવરો અનુસાર આ એક ધર્મ યુદ્ધ છે જેમાં તેમને સાધુ સંતોનો સાથ સહકાર છે. આ ગૌવંશ સ્થળાંતર વિરોધી કાયદાકીય લડત લડી લેવા પણ તેઓ તૈયાર છે.