• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

ધામનકર નાકાથી ટેમઘર સુધી અંડરગ્રાઉન્ડ મેટ્રો દોડશે

થાણે-ભિવંડી-કલ્યાણ મેટ્રો-5

મુંબઈ, તા. 7 : થાણે-ભિવંડી-કલ્યાણ મેટ્રો-5ના ધામનકર નાકાથી ટેમઘર સુધીના માર્ગને ભૂગર્ભ બનાવવા મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ)એ ગવર્નમેન્ટ રિઝોલ્યુશન (જીઆર) બહાર પાડયું છે. મેટ્રોના માર્ગમાં આવતાં ઘરોને તોડવાની જરૂર ન પડે તે માટે આ ભૂગર્ભ માર્ગની માગણી સ્થાનિક વિધાનસભ્ય રઈસ શેખે કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સમાજવાદી પાર્ટીના રઈસ શેખે જણાવ્યું હતું કે `આ મેટ્રો લાઇન લાંબા સમયથી વિલંબિત થઈ રહી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ મેટ્રોને ભૂગર્ભ લાઇન કરવાનું વિધાનસભામાં વચન આપ્યું હતું. જો આ મેટ્રોને જમીન પરથી ચલાવવામાં આવે તો ઘણી બધી ઇમારતોને તોડવી પડે તેમ છે. હવે આ ઘરોને બચાવી શકાશે અને આપણને આપણી મેટ્રો પણ મળી જશે.'

22મી મેના શેખે આ સંબંધમાં એક પત્ર શિંદેને સુપરત કર્યો હતો. શિંદેએ એમએમઆરડીએના કમિશનર એસ. વી. શ્રીનિવાસને આ બાબતમાં યોજના રજૂ કરવાનું જણાવ્યું હતું.

મેટ્રો-5 પાછળ રૂપિયા 8417 કરોડનો ખર્ચ થશે અને તેને 21 ડિસેમ્બર 2017ના એમએમઆરડીએ મંજૂરી આપી હતી. આ લાઇનને ઊર્ધ્વગામી (એલિવેટેડ) બનાવવાની હતી. આ રૂટ થાણેના કાપુરબાવડીને કલ્યાણના દુરગાડી 

સાથે જોડશે.

એમએમઆરડીએએ જણાવ્યું હતું કે 79 ટકા સિવિલ કાર્ય પૂરું થઈ ગયું છે. રાજીવ ગાંધી ચોકથી ટેમઘરના સાંઈબાબા નગર વચ્ચે અનેક બાંધકામો છે અને પુનર્વસનનું કાર્ય હજી શરૂ થયું નથી.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ