• શનિવાર, 02 માર્ચ, 2024

કૅનેડા અને અમેરિકામાં સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ભણવા જાય છે   

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 30 : વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જતા ભારતીય વિદ્યાર્થીઓના વલણમાં ફેરબદલ જોવા મળ્યો છે. કૅનેડા પ્રથમ ક્રમાંક પર, અમેરિકા બીજા ક્રમાંક પર તો ગયા વર્ષે ત્રીજા ક્રમાંક પર રહેલા અૉસ્ટ્રેલિયાને પછાડીને યુનાઇટેડ કિંગડમ (યુકે) ત્રીજા ક્રમાંક પર આવ્યું છે. વિવિધ દેશોમાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જાય છે એ વિશેના ઇન્ડિયન સ્ટુડન્ટ્સ મોબિલિટી રિપોર્ટ 2023માં જણાવ્યા પ્રમાણે વર્ષ 2022માં યુકેમાં ભણવા માટે જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 49.6 ટકાનો, કૅનેડામાં 46.8 ટકાનો તો અમેરિકામાં 18.9 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જેની સરખામણીમાં અૉસ્ટ્રેલિયામાં આ વધારો માત્ર 0.7 ટકાનો જ હતો. 

ભારત અને કૅનેડા વચ્ચેના વધતા જતા તણાવને કારણે આ વર્ષે પરિસ્થિત બદલાઈ શકે છે. જોકે ત્યાં ભણવા જનારા વિદ્યાર્થીઓના ઉત્સાહમાં કોઈ ફરક પડયો નથી. છેલ્લાં પાંચ વર્ષમાં કૅનેડા જનારા વિદ્યાર્થીઓની ટકાવારીમાં 86 ટકા કરતા વધુનો વધારો જોવા મળ્યો છે. ત્યાં રહેવા માટેના ઘરની અછતને કારણે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કરવા જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં થોડોક ઘટાડો થઈ શકે છે. બીજી તરફ ભારતીયોનું અૉસ્ટ્રેલિયા માટેનું આકર્ષણ ઘટી રહ્યું છે. યુકેએ વિઝા પૉલિસીમાં ફેરબદલ કરતા ત્યાં જવા માગતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે.  

Budget 2024 LIVE
હેડલાઇન્સ