• શનિવાર, 02 માર્ચ, 2024

પહેલી ડિસેમ્બરથી પાલિકા પ્રૉપર્ટી ટૅક્સનાં બિલ મોકલશે  

પંદર જાન્યુઆરીથી માર્ચ સુધી કરવેરો ભરી શકાશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : પહેલી ડિસેમ્બરથી મુંબઈ પાલિકા નાણાકીય વર્ષ 2023-24નું વિલંબિત પ્રૉપર્ટી ટૅક્સનાં બિલ મોકલવાનું શરૂ કરશે. ચાલુ નાણાકીય વર્ષમાં કાયદાકીય અડચણોના કારણે બિલ મોકલવામાં મોડું થયું છે. નિયમ પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષનો પ્રથમ પ્રૉપર્ટી ટૅક્સ ભરવાનો સમય પહેલી એપ્રિલથી 30 સપ્ટેમ્બરનો હતો. બીજું બિલ ભરવાની સમયમર્યાદા પચીસમી અૉક્ટોબરથી માર્ચ, 2024 છે. 

આઠ મહિનાના વિલંબ બાદ પાલિકા શુક્રવારથી નાણાકીય વર્ષ 2023-24 માટે પ્રૉપર્ટી ટૅકસ બિલ મોકલશે. પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મુંબઈકરોએ પ્રથમ ઇન્સ્ટોલમેન્ટ પંદરમી જાન્યુઆરી, 2024 સુધી ભરવો પડશે. આ વર્ષે અત્યાર સુધી પ્રૉપર્ટી ટૅક્સ પેટે પાલિકાના ખાતામાં 542 કરોડ રૂપિયા જમા થયા છે. ગત વર્ષે આ સમયગાળામાં 1452 કરોડ રૂપિયા જમા થયા હતા. પાલિકાના પૂર્વવર્તી કર આકારણીમાં સામેલ કાયદાકીય જટિલતાના કારણે આ વર્ષે વિલંબ થયો હતો. કરદાતાઓને હવે કામચલાઉ બિલો મળશે, જેમાં પાંચ વર્ષના નિયમ મુજબ દસ ટકાનો વધારો સામેલ છે. ચાલુ નાણાકીય વર્ષ માટે પાલિકાને 4500 કરોડ રૂપિયાની આવક થવાની અપેક્ષા છે. 

વર્ષ 2012થી પાલિકાએ પ્રૉપર્ટી ટૅક્સની ગણતરી કરવા નવી પ્રણાલી અપનાવી છે જેને વર્ષ 2010માં જ લાગુ કરવામાં આવી હતી. નવા દરો વસૂલવા માટે કૅપિટલ સિસ્ટમ રજૂ કરી હતી. 2019માં મુંબઈ હાઇ કોર્ટે પૂર્વનિર્ધારિત કરવેરા સંબંધિત કેટલાક નિયમોને બાજુ પર રાખ્યા હતા. પાલિકાએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ રાહત મળી નહોતી. સર્વોચ્ચ અદાલતે પાલિકાને નવા નિયમો ઘડવા અને કરદાતાઓને નવા બિલ જારી કરવાનો નિર્દેશ આપ્યો છે. પરિણામે, 2010-12 વચ્ચે મૂડી મૂલ્ય પ્રણાલીના આધારે પ્રૉપર્ટી ટૅક્સ ચૂકવનારા કરદાતાઓને હજારો કરોડ રૂપિયા રિફંડ પણ આપવા પડશે. પાલિકાએ ભવિષ્યનાં બિલોમાં નાગરિકો પાસેથી વસૂલવામાં આવેલી વધારાની રકમ એડજેસ્ટ કરવા ઉપરાંત તમામ પ્રૉપર્ટીના મૂડી મૂલ્યો પર ફરીથી કામ કરવું પડશે. જંગી રકમ પરત કરવામાં અસમર્થતા દર્શાવીને પાલિકાએ રાજ્ય સરકારને નિયમોમાં સુધારા કરવાની વિનંતી કરી છે. આ મામલો ઉકેલવાનો બાકી હોવાથી પાલિકા પહેલી એપ્રિલથી 30 સપ્ટેમ્બરના સમયગાળા માટે પ્રૉપર્ટી ટૅક્સ બિલો મોકલવામાં નિષ્ફળ રહી હતી. વધુ વિલંબને ટાળવા પાલિકા રેડી રેકનર દરો અનુસાર કામચલાઉ બિલ મોકલશે. 

30મી અૉક્ટોબર 2023થી 31મી માર્ચ, 2024ના એકસાથે બિલ વસૂલવામાં આવેલી વધારાની રકમ પરત કરવામાં આવશે અન્યથા એડજેસ્ટ થશે. પાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર પ્રોવિઝનલ બિલનું વિતરણ પહેલી ડિસેમ્બરથી શરૂ થશે. કરદાતાઓએઁ પ્રથમ બિલ (પહેલી એપ્રિલથી 30 સપ્ટેમ્બર) પંદરમી જાન્યુઆરી, 2024 સુધી અને એ પછીના છ મહિનાનું બિલ (પહેલી અૉક્ટોબરથી 31 માર્ચ) પચીસમી માર્ચ, 2024 સુઘી ચૂકવવાનું રહેશે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ