• શનિવાર, 02 માર્ચ, 2024

મરાઠાઓએ નારાબાજી કરતા ભુજબળ અધવચ્ચે રસ્તો બદલીને નાસિક પાછા ફર્યા  

છગન ભુજબળ સામેનો વિરોધ વધીને શેરીઓમાં પહોંચે છે 

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 30 : ઓબીસીના ક્વૉટામાંથી મરાઠાઓને આરક્ષણ આપવા સામે વિરોધનો વાવટો ફરકાવનારા મહારાષ્ટ્ર સરકારના વરિષ્ઠ પ્રધાન છગન ભુજબળ સામે વિરોધ વધી રહ્યો છે. મરાઠા એક્ટિવિસ્ટ મનોજ જરાંગે બાદ સાથી પ્રધાન રાધાકૃષ્ણ વિખે-પાટીલે પણ ભુજબળની ટીકા કરી હતી. ભુજબળ નાસિક જિલ્લામાં કમોસમી વરસાદથી અસર પામેલાં ગામડાંની મુલાકાતે ગયા ત્યારે મરાઠાઓએ કાળા વાવટા ફરકાવીને વિરોધ કર્યો હતો તેથી ભુજબળને કેટલાંક ગામડાંની મુલાકાતનો કાર્યક્રમ પડતો મૂકીને નાસિક માર્ગ બદલ્યો હતો અને પાછા ફર્યા હતા.

ભુજબળ ઓબીસી ક્વૉટામાંથી મરાઠાઓને આરક્ષણ આપવા સામે જે આક્રમકતાથી અવાજ ઉઠાવી રહ્યા છે કે તેઓ કદાચ `તૂટે ત્યાં સુધી તાણવાની તૈયારી ધરાવે છે' અથવા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (અજિત પવાર)નો `અદૃશ્ય હાથ' તેમની પડખે છે. મનોજ જરાંગે અને ભુજબળ વચ્ચે છેલ્લા બેથી ત્રણ માસમાં વારંવાર સામસામા નિવેદનો થયાં છે.મહારાષ્ટ્રમાં મરાઠાઓની વસ્તી લગભગ 30 ટકા છે. ઓબીસીનું મહત્ત્વ છેલ્લા ત્રણ દાયકામાં રાજકારણમાં વધ્યું છે. આ સંજોગોમાં મનોજ જરાંગેએ મરાઠવાડાના મરાઠાઓને કુણબી જાતિના પ્રમાણપત્ર આપવા આદરેલા આંદોલનથી શિંદે-ફડણવીસ સરકાર ઉપર એક રીતે દબાણ વધ્યું છે. આ સરકારે આરક્ષણના મુદ્દે મરાઠા અને ઓબીસી વચ્ચે સમતુલા જાળવવાની કપરી કામગીરી બજાવવાની છે.

ભાજપના મરાઠા નેતા અને મહેસૂલપ્રધાન રાધાકૃષ્ણ વિખે-પાટીલે જણાવ્યું છે કે પ્રધાનમંડળે મરાઠાઓને કુણબી જાતિના પ્રમાણપત્રના આધારે પ્રમાણપત્ર આપવાનો નિર્ણય લીધો પછી ભુજબળ તેની વિરુદ્ધ બોલી શકે જ નહીં. આ પ્રકારનાં વિધાનો કરતાં પહેલાં ભુજબળે રાજીનામું આપી દેવું જોઈએ.

તેના જવાબમાં ભુજબળ `રાજકીય શૈલી'થી કહે છે કે રાધાકૃષ્ણ વિખે-પાટીલ મારા મિત્ર છે. આ માગણી તેમણે તેમના નેતા સમક્ષ કરવી જોઈએ. મને મુખ્ય પ્રધાન અથવા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર કહે તો રાજીનામું આપવા તૈયાર છું.અજિત પવારે કર્જતમાં રૅલીને સંબોધતાં જણાવ્યું હતું કે આરક્ષણના વર્તમાન ક્વૉટાને યથાવત રાખીને આરક્ષણ માટે વધારાનો ક્વૉટા આપવો જોઈએ. આ મુદ્દે અલગ અભિપ્રાય હોઈ શકે છે પણ આપણને ચર્ચા કરવાની તક તો મળશે.

બ્રાહ્મણોને નિ:શુલ્ક શિક્ષણ માટે જાલનામાં ઉપવાસ

વિવિધ જાતિઓને આરક્ષણ માટે ઊહાપોહ ચાલુ છે ત્યારે સમસ્ત બ્રાહ્મણ સમાજ સંઘર્ષ સમિતિના નેજા હેઠળ એક્ટિવિસ્ટ દીપક રણાવરેએ મહારાષ્ટ્ર સરકાર બ્રાહ્મણોને નિ:શુલ્ક શિક્ષણ આપવાની માગણી સ્વીકારે એ માટે જાલનામાં ઉપવાસ આંદોલન આદર્યું છે. રણાવરેએ જણાવ્યું હતું કે બ્રાહ્મણો માટે ઉચ્ચશિક્ષણ સહિત આખું શિક્ષણ નિ:શુલ્ક હોવું જોઈએ.

Budget 2024 LIVE
હેડલાઇન્સ