• શનિવાર, 02 માર્ચ, 2024

વરિષ્ઠો માટે સ્ટેટ કાઉન્સિલ નહીં સ્થાપવા બદલ રાજ્ય સરકારને હાઈ કોર્ટનો ઠપકો  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 30 : મેન્ટેનન્સ ઍન્ડ વેલ્ફેર અૉફ પેરેન્ટ્સ ઍન્ડ સિનિયર સિટિજન્સ ઍક્ટ 2007ના અસરકારક અમલ માટે વરિષ્ઠ નાગરિકોની સ્ટેટ કાઉન્સિલ નહીં સ્થાપવા બદલ બૉમ્બે હાઈ કોર્ટે બુધવારે સરકારની ઝાટકણી કાઢી હતી. `તમે સ્ટેટ કાઉન્સિલ (રાજ્ય પરિષદ)ની ક્યારે રચના કરશો? તમે આ બાબતમાં નિર્ણય ક્યારે લેશો? તમે કોર્ટની વાત તો માનતા નથી, સંસદની વાત તો સાંભળો' એમ મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ આરીફ ડૉક્ટરે જણાવ્યું હતું.

રાજ્યમાં વૃદ્ધાશ્રમો (ઓલ્ડએજ હોમ્સ)ના લાઇસન્સિંગ, રજિસ્ટ્રેશન અને વ્યવસ્થાપન માટે માર્ગદર્શિકાઓ બહાર પાડવા સરકારને આદેશ આપવાની માગણી કરતી બેંગલુરુની રહેવાસી નિલોફર અમલાનીની પીઆઈએલની કોર્ટ સુનાવણી કરી રહી હતી.

અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે આવા વૃદ્ધાશ્રમોની વ્યવસ્થા કરવા માટેના અને સ્ટેટ કાઉન્સિલ તથા જિલ્લા સમિતિઓની રચના કરવાના કાયદાઓ મોજૂદ છે. અમલાનીના એડવોકેટ શાંતનુ શેટ્ટીએ જણાવ્યું હતું કે હાઈ કોર્ટે 14 જૂનના સભ્યોની સંખ્યા અને બેઠકમાં લેવાયેલા નિર્ણયો તેમ જ મિનિટ્સની વિગતો માગી હતી પરંતુ સરકારે તે પૂરી પાડી નહોતી.સામાજિક ન્યાય અને ખાસ સહાય વિભાગ દ્વારા 3 અૉક્ટોબરના આપવામાં આવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય કાઉન્સિલની સ્થાપના અને તેની કાર્યવાહી સંબંધમાં રાજ્ય સરકાર વરિષ્ઠ નાગરિકો અને પીઢ જ્યેષ્ઠ નાગરિકોના કલ્યાણ કરવાના ક્ષેત્રના નિષ્ણાતોને ઓળખવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે.સરકારના વકીલ અભય પત્કીએ જણાવ્યું હતું કે સ્ટેટ કાઉન્સિલની રચના કરવા યોગ્ય નિષ્ણાતો મળતા નથી.`કાયદો 2007માં આવ્યો, નિયમો 2010માં ઘડાયા, હાલ 2023 ચાલે છે. 13 વર્ષ થઈ ગયા અને તમને નિષ્ણાતો મળતા નથી' એવો સવાલ મુખ્ય ન્યાયાધીશે કર્યો હતો.

Budget 2024 LIVE
હેડલાઇન્સ