• શનિવાર, 02 માર્ચ, 2024

કાલબાદેવી કાપડ બજારની બદલાતી સૂરત : વેપારીઓનું ભિવંડીમાં સ્થળાંતર શરૂ 

પ્રૉપર્ટીના ભાવ ઊંચા: ઠગ ખરીદદારોનું ટેન્શન

કનૈયાલાલ જોશી તરફથી

મુંબઈ, તા. 4 : કાપડના જથ્થાબંધ વ્યાપાર માટે વિખ્યાત કાલબાદેવી બજારની સૂરત બદલાઈ રહી છે. અહીંના વેપારી ભિવંડી અને સુરતમાં સ્થળાંતર કરી રહ્યા છે. દેશભરમાંથી આવતા વેપારીઓ કાપડની ખરીદી માટે મુંબઈ આવવાને બદલે સીધા ભિવંડી જવા લાગ્યા છે!

આ માહિતી આપતાં કપડા વ્યાપારી ઍસોસિયેશનના અધ્યક્ષ એસ.પી. આહુજાએ જણાવ્યું કે, `કાલબાદેવીમાં દુકાનો નાની છે. રસ્તા પર ટ્રાફિકના કારણે ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા છે. લેબર મળતા નથી. વળી ખૂબ દૂર રહે છે. નાની દુકાનમાં વેપારી કેટલી વેરાયટી રાખી શકે. પાર્કિંગ પ્રશ્ન મોટો છે.

એસ.પી. આહુજાએ જણાવ્યું કે, આ બધી સમસ્યા વચ્ચે ઠગ ખરીદદારોએ ટેન્શન ઊભું કર્યું છે. બહારગામથી આવતા આ ઠગો માલનું બે વાર પેમેન્ટ કરે છે. ત્રીજીવાર 75 ટકા ચૂકવણું કરે છે અને પછી 100 ટકા ઠગાઈ કરે છે. છેલ્લં ત્રણ મહિનામાં કેટલાય કિસ્સા બન્યા છે. કાનૂની દૃષ્ટિએ આ સિવિલ મેટર બને છે એટલે આવા કિસ્સામાં પોલીસ હાથ નાખતી નથી એટલે ઠગોને કોઈ ભય રહેતો નથી. આ મેટર કોર્ટમાં જતી હોવાથી ક્યારે અને શું નિકાલ આવે તેની ખબર પડતી નથી. કાયદાની છટકબારીનો ગેરલાભ ઠગો ઉઠાવે છે. પોતાનો ધંધો માંડ માંડ ચલાવતા વેપારી લૂંટાય છે.

ઍસોસિયેશનના અધ્યક્ષે કહ્યું કે, કાલબાદેવીના વેપારીઓએ ભિવંડી અને સુરતમાં અૉફિસો અને ગોડાઉન રાખ્યાં છે. કાલબાદેવીમાં 100 ફૂટની દુકાનમાં એસીને ધંધો કરતાં. જ્યારે ભિવંડીમાં બે હજાર ફૂટની જગ્યા લીધી છે. જ્યાં માલ ઘણો રાખી શકાય અને ઘણી વેરાયટી અને મોટા પીસ વેપારીઓને બતાવી શકાય છે. ત્યાં પ્રૉપર્ટીના ભાવ ઓછા છે, લેબર સસ્તા છે અને નજીકમાં જ રહેઠાણ ધરાવે છે. જ્યારે અહીંના લેબર કલ્યાણ, અંબરનાથ, વિરારમાં રહે છે. ટ્રેનની ભીડમાં આવવું જવું પડે છે.

કાલબાદેવી વિસ્તારમાં વિઠ્ઠલવાડી અને હનુમાન ગલીમાં ગોલ્ડ અને ઈમિટેશન જ્વેલરીના શોરૂમ ખૂલ્યા છે એટલે પ્રૉપર્ટીના ભાવ વધી ગયા છે. કેટલાકે પેઢી અહીં રાખી છે. બાકી કારોબાર ભિવંડીમાં કરે છે. અંદાજે 30 ટકા વ્યાપારી કાલબાદેવીમાંથી સ્થળાંતર કરી ગયા છે. આ ઓછું હોય તેમ તાઈવાન-કોરિયાથી કાપડ આયાત થાય છે તેની પણ અસર મુંબઈને પડી છે.

કપડા વ્યાપારી ઍસોસિયેશનના સેક્રેટરી ત્રિલોક જાજુ, જૉઈન્ટ સેક્રેટરી રાજ જૈન, કમિટી મેમ્બર ચરન ચાવલા વગેરે છે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ