• શનિવાર, 02 માર્ચ, 2024

રાજ્યની 5000 શાળાઓ રિલાયન્સ જૂથ દત્તક લેશે

મુંબઈ, તા. 4 : રાજ્યની સરકારી શાળાઓમાં મૂળભૂત સુવિધાઓ વધારીને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત પર્યાય ઉપલબ્ધ કરવાના ઉદ્દેશથી રાજ્યના એક જાણીતા ઉદ્યોગ જૂથે 5000 શાળા દત્તક લેવાની તૈયારી દર્શાવી હોવાની માહિતી શાળા શિક્ષણપ્રધાન દીપક કેસરકરે આપી છે. કોઈપણ શાળાનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં, એવું પણ તેમણે એ વખતે સ્પષ્ટ ર્ક્યું. 

ગ્રામીણ અને શહેરી  ભાગની તમામ જિલ્લા પરિષદ, નગરપાલિકા અને મહાપાલિકા શાળાઓની ગુણવત્તા વધારવા માટે દત્તક શાળા યોજના અમલમાં મૂકવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. દાતાઓ, સામાજિક સંસ્થાઓ અને વ્યવસાયિક કંપનીઓ તરફથી દાન મેળવીને શાળામાં મૂળભૂત સુવિધાઓની ગુણવત્તામાં વધારો કરવામાં આવશે. એમાં શાળાની ઈમારતનું સમારકામ, રમતગમતના ઉપકરણ, કૉમ્પ્યુટર લૅબ, અૉડિયો વિઝ્યુઅલ લૅબ, ઈંગ્લિશ લૅબ, રોબોટિક લૅબ વગેરે સુવિધા દાતાઓ થકી પૂરી પાડવામાં આવશે. પાંચથી દસ વર્ષના કરારથી દાતાઓને શાળા દત્તક આપવામાં આવશે. એના બદલામાં શાળાને દાતાનું નામ આપવામાં આવશે. 

દીપક કેસરકરે જણાવ્યું કે દત્તક શાળા યોજના હેઠળ મોટા ઉદ્યોગગૃહ સીએસઆર ભંડોળના માધ્યમથી શાળામાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરી આપશે. આ યોજનામાં શાળાઓનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં. ખાનગી ઉદ્યોગ ગૃહો દર વર્ષે કરોડો રૂપિયા શિક્ષણ પર ખર્ચ કરે છે. પરંતુ તેનો યોગ્ય ઉપયોગ થતો નથી. આ યોજનાના માધ્યમથી તેમનું ભંડોળ સીધું શાળાના વિકાસ માટે વાપરી શકાશે. શાળામાં કિચન ગાર્ડન પણ તૈયાર કરવામાં આવશે. એનાથી વિદ્યાર્થીઓનું ખેતી અંગેનું જ્ઞાન વધશે અને તેનો પ્રત્યક્ષ અનુભવ પણ તેઓ લઈ શકશે. કિચન ગાર્ડનમાં શાકભાજીના ઉત્પાદન માટે કૃષિ વિભાગ બિયારણ પૂરું પાડશે. 

રાજ્ય સરકાર દ્વારા `મારી સ્કૂલ, સુંદર સ્કૂલ' અભિયાન સાથે જ દત્તક શાળા યોજના, મહાવાચન ઉત્સવ-મહારાષ્ટ્રની વાચન ચળવળ, મારી શાળા-મારું કિચનગાર્ડન, સ્વચ્છતા મૉનિટરીંગ વગેરે પ્રોજેક્ટનો શુભારંભ રાજ્યપાલ રમેશ બૈસ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં રાજભવનમાં પાંચમી ડિસેમ્બરે કરવામાં આવશે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ