અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 : શહેરને વધુ બદસૂરત જોવા માટે તૈયાર રહો, કારણ કે હવે એડવર્ટાઇઝિંગ હોર્ડિંગ્સને રહેણાંક (રેસિડેન્શિયલ) ઇમારતોની કમ્પાઉન્ડ દિવાલ પર લગાવવાની છૂટ આપવામાં આવશે. જો 2008ની હોર્ડિંગ્સ નીતિમાં બીએમસી નવા સુધારા કરશે તો રહેણાંક બિલ્ડિંગોની કમ્પાઉન્ડ દિવાલો પર વિજ્ઞાપન હોર્ડિંગ્સ લગાવવાની છૂટ આપવામાં આવશે.
હાલ 2008ની આને લાગતી માર્ગદર્શિકાઓમાં તેમ જ 2022માં સરકારે જાહેર કરેલી નીતિમાં ઇમારતોની કમ્પાઉન્ડ દિવાલો પર વિજ્ઞાપનોના હોર્ડિંગ્સ લગાવવાની છૂટ નથી.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (સ્પેશિયલ) સંજોગ કાબરેએ એ વાતની પુષ્ટિ કરી હતી કે, વર્તમાન હોર્ડિંગ્સ નીતિમાં ગયા મહિને સુધારા કરવામાં આવ્યા હતા અને તેને 2 ડિસેમ્બર, 2022ના મંજૂર કરવામાં આવ્યા હતા.
કમ્પાઉન્ડ દિવાલો પર શા માટે વિજ્ઞાપનોના હોર્ડિંગ્સ લગાવવાની છૂટ આપવામાં આવે છે એવા સવાલના જવાબમાં કાબરેએ જણાવ્યું હતું કે આ મહારાષ્ટ્ર સરકારની 2022ની માર્ગદર્શિકાઓ પ્રમાણે કરવામાં આવશે. જોકે, આમ ત્યારે જ કરવા દેવામાં આવશે, જ્યારે જે તે બિલ્ડિંગના માલિક કે સોસાયટી તેમ કરવાની છૂટ આપશે.