• બુધવાર, 24 એપ્રિલ, 2024

ચાંદી માટે લોનની પૉલિસી  તૈયાર કરવા બૅન્કોની રજૂઆત

ચાંદીની જ્વેલરીની નિકાસ 16 ટકા વધી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : ગોલ્ડ લોનની જેમ સિલ્વર લોન માટે પૉલિસી તૈયાર કરવા માટે બૅન્કોએ રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાને રજૂઆત કરી છે. બૅન્કોએ જણાવ્યું છે કે જેમ અત્યારે નિકાસકારો અને સ્થાનિક ઉત્પાદકોને બૅન્કો ગોલ્ડ લોન આપે છે એવી રીતે ચાંદી માટે પણ બૅન્કો લોન અૉફર કરી શકે.

જેમ ઍન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિપોર્ટ 

મુજબ વર્ષ 2022-23માં સિલ્વર જ્વેલરીની નિકાસ 16 ટકા વધીને 

રૂા. 23,492.71 કરોડ થઈ છે, જે વર્ષ 2021-22માં રૂા. 20,248.09 કરોડની થઈ હતી.

બૅન્કના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ચાંદીની જ્વેલરીની નિકાસ વધી રહી છે એને કારણે હવે જ્વેલરી ઉત્પાદકો ચાંદીની ખરીદી માટે લોન અૉફર કરવા બૅન્કો સમક્ષ રજૂઆત કરી રહ્યા છે. ચાંદીની જ્વેલરી અને આર્ટિકલ્સની નિકાસ અને સ્થાનિક વેચાણમાં વધારો થઈ રહ્યો હોવાથી ધિરાણ માટે મોટી માગ છે.

વર્તમાન નિયમનો મુજબ નોમિનેટેડ બૅન્કો સોનાની આયાત કરી શકે છે. ડેઝીગનેટેડ બૅન્કો ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં પાર્ટીસિપેટ કરે છે. આ બૅન્કો જ્વેલરીના નિકાસકારો અને સ્થાનિક ઉત્પાદકોને ગોલ્ડ લોન અૉફર કરે છે. જેટલું સોનું લીધું હોય એની વેલ્યુ મુજબની લોનનું રિપેમેન્ટ રૂપિયામાં કરી શકાય છે. આ ઉપરાંત ફિઝિકલ ગોલ્ડ તરીકે પણ લોનના રિપેમેન્ટનો વિકલ્પ આપવામાં આવે છે.

બૅન્કોનું માનવું છે કે ગોલ્ડ લોનની જેમ રિઝર્વ બૅન્કે સિલ્વર લોન માટે પણ બૅન્કોને મંજૂરી આપવી જોઈએ. આ બિઝનેસ સિલ્વર જ્વેલરીના નિકાસકારો તેમ જ ઉત્પાદકો તેમજ બૅન્કો એમ બન્ને પક્ષ માટે લાભદાયી રહેશે, બન્ને પક્ષના બિઝનેસમાં વૃદ્ધિ થઈ શકશે.